________________
તાત્પર્ય આ છે કે વ્રત, તપ, જ્ઞાન વગરનું એકલું સમ્યગ્દર્શન સારું છે. પણ સમ્યગ્દર્શન વગરના વ્રત, તપ, જ્ઞાન સારાં નથી કેમ કે તે મિથ્યાત્વના વિષથી દૂષિત છે, ખરડાયેલાં છે.
તત્ત્વજ્ઞાનિઓનું કહેવું છે કે મુનિ પાસે સમ્યગ્દર્શન સહિતનું વ્રત, તપ છે તો તે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કોઈ મુનિ વ્રત, તપ આદિ કરી શકતા નથી, તેનાથી રહિત છે; પરંતુ જો તેમની પાસે સમ્યગ્દર્શનરૂપી રત્ન છે તો તે અવશ્ય ઇન્દ્રનું ઐશ્વર્ય અથવા તીર્થંકરની પદવી પ્રાપ્ત કરી લે છે. આ છે સમ્યગ્દર્શનનું મહત્વ.
ભગવાન મહાવીરસ્વામીએ ઉત્તરાધ્યન સૂત્રમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા નીચેની ગાથામાં બતાવી છે. જે આ પ્રમાણે છે.
"नत्थि चरित्तं सम्मत्तविहूणं दंसणे उ भइयव्वं । समत्त - चरित्ताइं जुगवं पुव्वं च सम्मत्तं ॥ नादंसणिस्स नाणं नाणेण विणा ण हुंति चरणगुणा ।
अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥"
- ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૮.૨૯-૩૦ (પાનું ૧૪૯-૧૫૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯)
અર્થ:- ચારિત્ર સમ્યક્ત્વ વગર હોઇ શક્યું નથી પરંતુ સમ્યક્ત્વ ચારિત્રના વિના હોઇ શકે છે. કોઈવાર બન્ને સાથે પણ હોઇ શકે છે. ચારિત્રના પહેલા સમ્યક્ત્વનું હોવું જરૂરી છે. હજી બીજી ગાથામાં વધારે સ્પષ્ટ કરતા બતાવે છે કે સમ્યગ્દર્શન વગર જ્ઞાન એ જ્ઞાન નથી. જ્ઞાન વગર ચારિત્ર નથી, ચારિત્રગુણ વગર મોક્ષ(કર્મક્ષય) નથી અને મોક્ષ વગર નિર્વાણ (અનંત સચ્ચિદાનંદ) નથી. આ ગાથા ઉપરથી સમજાય છે કે સમ્યગ્દર્શન વગર જીવ આગળ વધી શક્તો નથી.
જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહ્યું છે કે...
" प्राप्नुवन्ति शिवं शश्वच्चरणज्ञानविश्रुताः ।
अपि जीवा जगत्यस्मिन्न पुनर्दर्शनं विना ॥"
- શાનાર્ણવ; ગાથા ૬.૫૮ (પાનું ૯૬, લેખકઃ આચાર્ય શુભચંદ્ર, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, (અગાસ), વર્ષ ૧૯૮૧)
સમકિત
૨૪૩