________________
૨.૧૧ સમ્યગ્દર્શનઃ જીવન જીવવાની એક અદ્ભુત કળા
સંસારમાં જીવવું બધાને ગમે છે. મનુષ્ય, પશુ-પક્ષી, નારકી, દેવ, કીડી-મંકોડા બધાને જીવવામાં ખૂબ આનંદ આવે છે. આધ્યાત્મિક સમજથી જીવવાના બે પ્રકાર થાય છે. જીવનનો કાળ ખાલી એમ ને એમ પૂરો કરવો એ એક પ્રકાર છે. બીજો પ્રકાર છે કે આનંદમય જીવન-કલાથી જીવવું.
66
શરીરમાં હુંપણાની બુદ્ધિ અને બીજામાં ‘મારા’પણાની બુદ્ધિ આ છે સંસારનું જડ, જે જીવ બોધિને પામે અથવા તો તરતમાં બોધિ પમાડે એવી યોગ્યતા પામે, તેને લાગી જાય કે આ શરીર તે હું નથી અને આ શરીર અને સંસારના સઘળાય પદાર્થો વસ્તુતઃ મારા નથી પણ પર છે.' જ્યાં સુધી સુખો ઉપર જ જીવની આંખો ચોંટી ને ચોંટી રહે ત્યાં સુધી જીવને સાચી દિશા તરફ નજર કરવાનું મન પણ થાય નહિ.
જીવને જોવાની સાચી દષ્ટિ મળી ગઈ તે સાથે જીવ ચાહે નરકમાં હોય કે સ્વર્ગમાં તેને બધે જ સ્વર્ગ જ લાગશે. એ જ્યાં પણ જશે ત્યાં એ સ્વર્ગ બનાવી દેશે. દુઃખમાં પણ આનંદની લહેર ઊભી કરશે. પાનખરમાં પણ વસંત લાવી દેશે. કષ્ટમાં પણ શાંતિનો અનુભવ કરશે.
આ જીવન-કલાનું નામ છે-સમ્યગ્દષ્ટિ
આ એક પરમ મંગળ છે. વિઘ્નોનો જેનાથી વિનાશ થાય એનું નામ ‘મંગળ’ કહેવાય, અને એથી શાસ્ત્રમાં કહ્યું છે કે આત્માને જે સંસારથી તારે તે જ ખરેખરું ‘મંગળ' છે.
આ પ્રકરણમાં આપણે આ જીવન-કલા પર ચિંતન કરશું. જીવનમાં કર્મોના ઉદયના કારણે કોઈક વાર સુખ આવે છે તો કોઈક વાર દુઃખ આવે છે. એકાન્તે સુખ કે એકાન્તે દુઃખ ક્યારે પણ હોતું નથી. કોઈ વાર અનુકૂળતાનો પવન વાય છે તો કોઈક વાર પ્રતિકૂળતાનો. આમાં મિથ્યાદષ્ટિઆત્માને જ્યારે દુઃખ આવે છે ત્યારે તે ગભરાઈ જાય છે અને સુખ આવે ત્યારે છકી જાય છે અને અહંકાર કરે છે. સમ્યગ્દષ્ટિની વિશેષતા એ છે કે તે ક્યારે પણ સુખ હોય કે દુ:ખ, બંનેમાં તેના ભાવ સંતુલિત હોય છે. એ દુઃખમાં વ્યાકુળ અને સુખમાં હર્ષથી ઉન્મત્ત થતો નથી. તે આત્માનો મુખ્ય સ્વભાવ જ સમભાવવાળો થઈ જાય છે. સમ્યગ્દષ્ટિઆત્મા પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાનો અનુભવ કરે છે. તે નરકમાં પણ હોય પણ તેનો આત્મા સુખ-શાંતિનો જ અનુભવ કરતો હોય છે. આનાથી વિપરીત મિથ્યાદષ્ટિ આત્માને અનુકૂળતામાં પણ બેચેની રહે છે અને સ્વર્ગમાં પણ ઈર્ષ્યા, દ્વેષ અને મોહને કારણે સદા દુઃખી રહે છે.
૨૧૬
સમકિત