________________
આમ, સમ્યગદર્શન અધ્યાત્મજીવનમાં સૌથી મોટી કળા શિખવાડે છે. કે “તમે સંસારમાં રહો તેમાં કોઈ આપત્તિ નથી, પણ સંસાર તમારામાં ન રહે તેનું ધ્યાન રાખો. મનમાં જો સંસાર હશે તો વ્યક્તિ કશે પણ ચાલ્યો જાય પણ સાથે સંસાર તો રહેવાનો જ છે.” સંસારમાં રહેવાથી કે તેને દેખવાથી સંસાર તમને ચોંટતો નથી, જ્યાં સુધી આ સંસારના પદાર્થો પ્રતિ મમત્વ ભાવ ન હોય ત્યાં સુધી. સંસારના પદાર્થોના વિષે જ્ઞાન માત્ર લેવાથી તે પદાર્થ બંધનકારક બનતા નથી. પણ એ પદાર્થોમાં જો રાગ-દ્વેષ જ્યારે જોડાય છે ત્યારે તે બંધનકાર બને છે. સમ્યગ્દષ્ટિ આ પદાર્થોને કેવળ જ્ઞાતા-દેણ તરીકે જુએ છે. જ્યારે મિથ્યાદષ્ટિ સંસાર પ્રત્યે ભોગવાદી રહે છે. તેનું જીવન ઉપરથી નીચે તરફ અધોમુખી રહે છે. એટલે તે સંસારની સુખ-દુઃખની જાળમાં ફસાયેલો રહે છે. પણ સમ્યગ્દષ્ટિ સંસાર પ્રત્યે વૈરાગ્યવાદી હોય છે. તેની નજર નીચેથી ઉપર તરફ ઉર્ધ્વમુખી હોય છે. તે આ સુખ-દુઃખની જાળમાં ફસાતો નથી. સમ્યગ્દષ્ટિઆત્મા પોતાના જીવનરૂપી ઘરમાં સ્વામી તરીકે આવે છે. અને તેના સમયે એ જ રીતે વિદાય પણ લે છે. તે કોઈ કેદીની જેમ ઘરમાં બંધાયેલો રહેતો નથી. તેને ખબર છે કે વિદાય લેવાનો એક સમય આવવાનો છે. તેને દ્રવ્ય દૃષ્ટિ હોય છે. પર્યાય દૃષ્ટિ હોતી નથી. પદાર્થના મૂળ સ્વભાવને જોવું એ દ્રવ્ય દૃષ્ટિ છે. અને તેની માત્ર વર્તમાન પર્યાયોને જોવા તે પર્યાયદષ્ટિ. તેને ખબર છે કે દ્રવ્ય શાશ્વત છે અને પર્યાય અશાશ્વત છે.
આ જ વાત એક દચંત દ્વારા સમજીએ સમજો કે કાચની એક સરસ મજાની સુંદર ફૂલદાની તમારા ઘરમાં શોભે છે. રોજ એક નોકરાણી તમારા ઘરને સાફ કરવા આવે છે. એક દિવસ તે પોતાના ૮ વર્ષના છોકરાને લઈ આવે છે કારણ કે તેને સાચવવા તેના ઘરે કોઈ હોતું નથી. આ છોકરા વડે તમારી ફૂલદાની રમતાં રમતાં ભૂલથી પડી જાય છે અને તે ફૂટી જાય છે. તમે વિષમભાવમાં જાઓ છો અને આ છોકરાને ઠપકો આપો છો અને નોકરાણીનું ખૂબ ગુસ્સાથી અપમાન કરો છો. અને પોતાને ફૂલદાની તૂટ્યાનું ખૂબ દુઃખ થાય છે. મન કલેશમય બની જાય છે. હવે એ જ ફૂલદાની ધારો કે આપણા પૌત્રથી ભૂલથી તૂટે છે તો આપણે વિષમભાવમાં જતા નથી. અસ્વસ્થ થતા નથી અને તરત જ જોઈએ છીએ કે પૌત્રને વાગ્યું તો નથી ને? એ સમયે ફૂલદાની તૂટ્યાનું ધ્યાન પણ હોતું નથી. મનમાં માત્ર પૌત્રનો જ ખ્યાલ રહે છે. આ રીતે આપણો વ્યવહાર નોકરાણીના છોકરા અને આપણા પૌત્ર તરફ અલગ અલગ હોય છે. તેનું કારણ શું? બંને જીવો (આપણો પૌત્ર અને નોકરાણીનો છોકરો) હોવા છતાં પણ આપણે એ જીવોના હાલના પર્યાયને જોઈને આપણો વ્યવહાર કરીએ છીએ. આપણે એક આત્મા તરફ રાગ કર્યો અને બીજા આત્મા તરફ દ્વેષ.
સમકિત
૨૧૧