________________
આમ, ભગવતી આરાધનામાં બંને પ્રકારના સમ્યગદર્શનનું અંતર બતાવતા કહે છે કે
"तत्र प्रशस्तरागसहितानां श्रध्धानं सराग सम्यगदर्शनम | रागद्वयरहितानां क्षीणमोहावरणानां वीतरागसम्यदर्शनम ||" - ભગવતી આરાધના; ગાથા ૧.૫૦ (પાનું ૯૬, લેખકઃ આચાર્ય શિવાર્ય, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર (મહારાષ્ટ્ર), વર્ષ ૧૯૭૮)
પ્રશસ્ત (વખાણવા લાયક પદાર્થો જેવા કે દેવ, ગુરુ અને ધર્મ તરફનો રાગ) રાગસહિત જીવોની શ્રદ્ધા તે સરાગ સમ્યગદર્શન કહેવાય, જ્યારે પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના રાગોરહિત અને જેનામાં મોહનું આવરણ ક્ષીણ થઈ ગયું છે એવા સમ્યગદર્શનને વીતરાગ સમ્યગદર્શન કહેવાય.
આમ, આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે સમ્યગદર્શન તે રાગનું કારણ નથી પણ ઉપરથી તેની હાજરીમાં રાગની હીનતા થાય છે.
આ બે પ્રકારના સમ્યગદર્શન કઈ રીતે જાણી શકાય તેમાં પણ ફરક છે.
સમ્યગદર્શન આમ તો આત્માનો ધર્મ છે. આંખથી દેખાય તેવી વસ્તુ નથી. પરંતુ અપ્રમત સમ્યગ્દષ્ટિ આદિ સરાગી જીવોમાં પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્થા આદિ લક્ષણોને જોઈને સમ્યગ્દર્શનના અસ્તિત્વની જાણ થઈ શકે છે. અપ્રમત સમ્યગ્દષ્ટિથી ૧૦મા ગુણસ્થાનક સુધી જીવ પોતાનામાં થવાવાળા પ્રશમાદિ ગુણોનો નિર્ણય કરી એમ માની શકે કે “હું સમ્યગ્રષ્ટિ છું” આ રીતે પોતાના અનુભવ અને બીજામાં અનુમાન કરીને જે જાણી શકાય કે તેને સમ્યગદર્શન છે, આમ આવા સમ્યગદર્શનને સરાગ સમ્યગદર્શન કહેવાય.
આની સામે ઉપશાંતકષાય આદિ ગુણસ્થાનવર્તી (૧૧મા ગુણસ્થાન ઉપર) તેમનું સમ્યગદર્શન તે વીતરાગ સમ્યગદર્શન કહેવાય છે. જે કેવળ આત્મશુદ્ધિરૂપ જ હોય છે. કારણ કે વીતરાગી જીવોમાં ચારિત્ર મોહનીયનો ઉદય હોતો નથી. એટલે તેમને પ્રશમાદિ ભાવ હોતા નથી. તેથી વીતરાગ સમ્યગદર્શન તે પોતાના અનુભવથી જ પ્રત્યક્ષ જાણી શકાય છે અને પ્રશમાદિ દ્વારા નહીં. દર્શન મોહનીયના ઉપશમ કે ક્ષયથી જે આત્મામાં નિર્મળતા થાય છે. તેને આત્મશુદ્ધિ કહેવાય છે.
દ્રવ્યસંગ્રહની ટીકામાં કહ્યું છે કે
૧૫૦
સમકિત