________________
પણ માત્ર શુદ્ધભાવની ખામીના યોગે એ જીવોને સાધુપણાના પાલનનું વાસ્તવિક ફળ મળતું નથી. આવા જીવોને વધુમાં વધુ નવમાં ગ્રેવેયકની પ્રાપ્તિ થાય છે અને એ દેવલોકમાં પણ તે જીવો પોતાના રાગદ્વેષના ગાઢ પરિણામોના પ્રતાપે, ત્યાં જેવા સુખનો અનુભવ કરી શકાય તેવા સુખનો અનુભવ કરી શકતા નથી. આટલું જ નહીં પણ એ કાળમાં એ જીવો એવા અશુભ કર્મોને ઉપાર્જે છે કે એ કર્મો એ જીવોને દુઃખમય સંસારમાં ફેરવ્યા કરે છે. આમ “અભવ્ય” આદિ જીવોને ગ્રંથિદેશની પ્રાપ્તિ અને તે પછી દ્રવ્યશ્રુત તથા દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ સંસારપરિભ્રમણનો નાશ કરવાને માટે કોઈપણ રીતે સમર્થ બની શકતા નથી. બિચારા અભવ્ય જીવો તો સ્વભાવે જ એવા છે કે તેઓ ગ્રંથિદેશ આદિને પામે છે તો પણ તેઓમાં અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટી શકતી નથી.
દુર્ભવ્ય જીવોને પણ કાળની અપરિવપક્વતા પ્રધાનપણે નડે છે એટલે તેઓ સ્વભાવે મુક્તિગમનની યોગ્યતાને ધરનારા હોવા છતાં પણ તેઓને થયેલી ગ્રંથિદેશ આદિની પ્રાપ્તિ પણ તેમને અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટ કરાવી શકતી નથી.
ભવ્ય આત્માઓ માટે પણ ગ્રંથિદેશ આદિની પ્રાપ્તિ ત્યારે જ સફળ બની શકે છે કે જ્યારે તેમને ભવિતવ્યતા (સમય પાક્યો હોય તો) આદિની અનુકૂળતા પ્રાપ્ત થાય છે.
આ કરણ સંસારકાળમાં અનેકવાર આવે છે. અભવ્ય જીવો પણ અનંતીવાર આ કરણ કરે છે. ગ્રંથિદેશે આવેલો જીવ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી ગ્રંથિદેશે ટકી રહે એ બની શકે, પણ એટલા કાળ પર્યત ગ્રંથિદેશે બરાબર ટકી રહે તેનો અર્થ એમ નથી કે તે ત્યાંથી પ્રગતિ જ કરે, તે ત્યાંથી પાછો પણ પડી શકે છે.
જ્યારે પણ જીવના કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમથી કાંઈક ન્યૂન હોય ત્યારે જ તેને ભાવથી “શ્રી નવકાર મહામંત્રની પ્રાપ્તિ થાય છે અને જ્યારે તે ગ્રંથિદેશથી પાછો પડે છે ત્યારે તે “શ્રી નવકાર મહામંત્ર"થી છૂટી જાય છે અને ત્યારે પાછો કર્મોને અધિક રૂપે બાંધે છે. પણ અહીંથી આગળ આસન્નભવ્ય આત્માનિષેક રચનાના નીચેના ભાગમાંથી એકેક સમયે ક્રમશઃ એકેકે નિષેકમાં પહેલું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરતો કરતો આગળ જ્યારે યથાપ્રવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત- ૧૦ સમય પૂર્ણ થાય છે ત્યારે અત્યંત વિલાસને ફોરવીને અપૂર્વકરણમાં પ્રવેશે છે.
(ચિત્ર-૨)
૧૧૬
સમકિત