________________
મિથ્યાત્વ ભાવની તીવ્રતાને કારણે જીવ ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ મોહનીયકર્મની સ્થિતિ બાંધી શકે છે.
યોગશતકમાં બતાવ્યું છે કે જે ઉત્કૃષ્ટ કલેશપૂર્વક પાપકર્મ ન કરે, ભયાનક દુઃખપૂર્ણ સંસારમાં ડૂબેલો ન રહે અને કૌટુંબિક લૌકિક, ધાર્મિક આદિ બધી બાબતોમાં ન્યાયયુક્ત મર્યાદાનું પાલન કરે તેને અપુનબંધક કહેવાય છે.
ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી કેટલાક જીવો મિથ્યાત્વ ભાવની મંદતાને પામી બાકી રહેલા સમગ્ર સંસારકાળમાં હજુ બે વાર મોહનીયકર્મની ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ બાંધવાની સંભાવના બાકી હોય ત્યારે તે જીવ ‘દ્વિબંધક’ (દ્વિસસ્કૃતબંધક) કહેવાય છે.
તેના પછી જ્યારે જીવને હજી એક વાર જ મોહનીયકર્મને ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ બાંધવાની સંભાવના હોય છે ત્યારે તે જીવ ‘સમૃતબંધક’ કહેવાય છે.
અને જ્યારે જે જીવોને સમગ્ર સંસારકાળમાં મોહનીયકર્મની ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ એકપણવાર બાંધવાની સંભાવના નથી તે જીવ ‘અપુનબંધક’ કહેવાય છે.
અ-નહીં, પુન-ફરી, બંધક-બાંધનાર. હવે ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધનાર જીવને અપુનર્બંધક કહેવાય છે.
ધર્મસંગ્રહ ગ્રંથમાં ગાથા ૧૮માં અપુનર્બંધક મંદમિથ્યાત્વ જીવોને પણ ધર્મી કહૃાા છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનકે પણ અનુષ્ઠાનરૂપ ધર્મ કહ્યો છે.
આમ ચરમાવર્તકાળમાં પ્રવેશેલો અપુનર્બંધક આત્મા તે કાળ પામીને ધર્મનો પ્રારંભ કરે છે. માટે અપુનર્બંધક જીવને “આદિધાર્મિક” પણ કહેવામાં આવે છે.
આ આદિધાર્મિક કેવળ જૈન ધર્મનો જ અનુયાયી હોય છે, તેવો નિયમ નથી. મંદમિથ્યાત્વને યોગે આદિધાર્મિક જીવો બીજા ધર્મોના આચાર પણ સેવે છે. અને ગમે તે ધર્મની ક્રિયા કરવા છતાં તે જીવોમાં અંતરથી રાગ-દ્વેષની તીવ્રતા તૂટી જવાને લીધે તે જીવોને અપુનર્બંધક કે આદિધાર્મિક કહી શકાય છે.
યોગબિંદુ ગ્રંથની ૨૫૧મી ૨૫૭ ગાથામાં જણાવ્યું છે કે અપુનર્બંધકની અનેક અવસ્થાઓ હોવાથી તેમની અંતઃશુદ્ધિ હોવાને લીધે જુદા જુદા ધર્મોની મોક્ષસાધક ક્રિયાઓ તેઓમાં હોઈ શકે છે.
૧૦૮
સમકિત