________________
3
પ્રસ્તાવના
આ દુષમ કાળમાં જ્યાં એક બાજુ અનાદિકાળથી અનંત અનંત જીવરાશિ સુખની ઝંખનામાં, દુઃખને પ્રાપ્ત થતી થતી સમસ્ત લોકમાં પરિભ્રમણને પ્રાપ્ત થતી આવી છે, ત્યાં બીજી બાજુ શાસન નાયક અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીથી પ્રવાહિત સદોપદેશથી માર્ગ પ્રાપ્ત થયેલ આચાર્ય ભગવંતો અને જ્ઞાનીઓ દ્વારા અખંડ મોક્ષમાર્ગ પણ સદેવ જીવંત રહ્યો છે. આવા આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિમાં બળી-બળીને ભાવમરણ કરી રહેલ જીવોને માટે કલ્પવૃક્ષની શીતલ છાયાં સમાન આ `અનુભવ સંજીવની' ગ્રંથનું પ્રકાશન કરતાં અમો હર્ષ અનુભવીએ છીએ. આ ગ્રંથ સૌમ્યમૂર્તિ પૂ. ભાઈશ્રીના અગાધ મંથનમાંથી સરી પડેલી વિભિન્ન વિષયો સંબંધીત ચિંતન કણિકાઓનો અણમોલ સંગ્રહ છે, જેને બીજા શબ્દોમાં કહીએ તો આ ગ્રંથ પૂ. ભાઈશ્રીનો `જ્ઞાન વૈભવ' છે. આજે મુમુક્ષુગણના હાથમાં આ રત્નરાશીને મુકતાં અમો ગૌરવ અનુભવીએ છીએ. પૂ. ભાઈશ્રીની જ્ઞાનદશાના વિશાળ ફલકમાંથી આકાર પામેલ આ અજોડ ગ્રંથ રચના એક ઐતિહાસિક ગ્રંથ રચના બની રહેશે.
સંપૂર્ણ નિર્દોષ થઈ પરિપૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય હમેશા-હમેશા રહસ્યમય જ રહ્યો છે. તેમ છતાં શ્રુત લબ્ધિ પ્રાપ્ત ધર્માત્માઓથી પ્રત્યેક ગ્રંથોમાં આ રહસ્ય પ્રગટ થતુ આવ્યુ છે. ૫. કૃ. શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃત અનુસાર `શાસ્ત્રમાં માર્ગ તો કહ્યો છે પરંતુ મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહ્યો છે' તે વચનાનુસાર અધ્યાત્મયુગ પ્રવર્તક, શાસન દિવાકર ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા આ મર્મનું રહસ્યોદ્ઘાટન એક ક્રાંતિ લઈ આવ્યું છે. અંધારામાં જ્યાં સત્ય ડુબી રહ્યું હતું ત્યાં મોક્ષમાર્ગના સ્તંભ બની તેને જીવંત રાખી આ ભરત ક્ષેત્રને તેઓશ્રીએ ઉજમાળ કર્યું છે. પૂ. ગુરુદેવશ્રીએ ૪૫-૪૫ વર્ષ સુધી સત્ય સુખની પ્રાપ્તિના ઉપાયની વર્ષા કરી છે. તેઓશ્રીની પવિત્ર દેશનાના સ્પર્શથી પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂ. બહેનશ્રી ચંપાબહેને ૧૮ વર્ષની બાળવયમાં કલ્યાણકારી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું અને પુરુષાર્થમૂર્તિ પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાનીજી જેવા ધર્માત્માએ, સીમંધર સ્વામીના લઘુનંદનની વાણીને એક જ પ્રવચન સાંભળીને તેઓશ્રીની વચનદિવ્યતાને સિદ્ધ કરી.
આવા સમર્થ મહાપુરુષોના પવિત્ર સાન્નિધ્યમાં રહીને પણ જેઓ ગુપ્ત રહ્યાં અને પોતાની સાધનાને અખંડ રાખી. કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજી તથા પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીની એકરૂપતાને પ્રસિદ્ધ કરનાર પૂ. ભાઈશ્રીના સાધનાયુક્ત જીવનનો કોઈ અજોડ પુરાવો હોય તો તે આ `અનુભવ સંજીવની' ગ્રંથ છે. પૂ. ભાઈશ્રીનો વિસ્તૃત જીવન પરિચય અન્યત્ર પ્રસ્તુત છે જે મુમુક્ષુ જીવો માટે અવશ્ય પ્રેરણારૂપ છે અને બોધસ્વરૂપ છે.
આ ગ્રંથમાં બહુભાગ અવક્તવ્ય એવો ભેદજ્ઞાનની વિધિનો રહસ્યમય વિષય, સ્વયંની અનુભવ પ્રધાન શૈલીથી પૂ. ભાઈશ્રીએ કલમમાં ઉતાર્યો છે, જે તેઓશ્રીની અસાધારણ લેખની તથા શ્રુતલબ્ધિની પ્રતીત કરાવે છે. ૪૫ વર્ષના સાધનાકાળ દરમ્યાન પ્રવચન અને તત્ત્વચર્ચાઓ દ્વારા અનેક મુમુક્ષુઓ, વિદ્વાનોના