________________
૨૯
પત્રાંક-૫૮૨
સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે, માર્ગનો વિરોધ કરવા જેવું છે; અને એમ જાણીને તથા તેના જેવાં બીજાં કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. વખતે ક્યારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી. પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે, કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે; અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી, છતાં તે તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કંઈ પણ વિચાર મેં કર્યો હતો, તથાપિ તે ક્રમ ફેરવતાં બીજા વિષમ કારણોનો આગળ પ૨ સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે; આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે; પણ કોઈ લોકવ્યવહારરૂપ કારણથી આવવા વિષેનો વિચાર વિસર્જન કર્યો નથી.
ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે, તે પર વિચાર કરી જો કંઈ અગત્ય જેવું લાગે તો વખતે રતનજીભાઈને ખુલાસો કરશો. મારા આવવા નહીં આવવા વિષે જો કંઈ વાત નહીં ઉચ્ચારવાનું બને તો તેમ કરવા વિનંતિ છે.
વિ. રાયચંદના પ્ર.
૫૮૨મો પત્ર છે ‘કુંવરજી આણંદજી, ભાવનગર’ ઉપરનો. પત્રનું મથાળુ બાંધ્યું છે કે, આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે.’