________________
૧૪૨
રાજહૃદય ભાગ-૧૨ અનંત વાર પ્રાપ્ત કરી. દેશનાલબ્ધિ, પ્રાયોગલબ્ધિ એ ચાર લબ્ધિ કહી છે ને? એ ચાર લબ્ધિ તો અનંત વાર પ્રાપ્ત કરી છે. પાંચમી કરણલબ્ધિ પ્રાપ્ત કરી નથી. એ કરણલબ્ધિનું આ એક કારણ છે. યથાપ્રવૃત્તિકરણમાં ત્રણ કરણ થાય છે એ ત્રિકરણમાં યથાપ્રવૃત્તિકરણ છે એ કરણ છે. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, યથાપ્રવૃત્તિકરણ એવા ત્રણ કરણ છે. એમાં યથાપ્રવૃત્તિકરણ સુધી આવ્યો છે. એટલે કે પાંચમી જે કરણલબ્ધિ છે એની લગભગ નજીક આવી ગયો છે. એટલો બધો દર્શનમોહ મંદ કરી ચૂક્યો છે. પાછો તીવ્ર થઈ જાય છે. વળી પાછો સંસારપરિણામી થાય છે. એમ કહ્યું છે.
જોકે એમાં એક વાત વિચારવા યોગ્ય છે અને તે એ છે કે જીવ યથાર્થ પ્રકારે અહીં સુધી આગળ વધ્યો નથી. દર્શનમોહની મંદતા છે, એ દર્શનમોહની મંદતામાં પણ જીવ યથાર્થ પદ્ધતિએ આવ્યો નથી. તો એને લગભગ પાછું વળવું પડે એ પરિસ્થિતિ નથી થતી. અર્થાત્ સ્વરૂપનિશ્ચય કરીને સહજ ભેદજ્ઞાનની પ્રવૃત્તિથી યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચ્યો હોય તો જીવ ત્યાંથી પાછો ન પડે. અવશ્ય એ સ્વાનુભવમાં સ્વસ્થપરિણામમાં આવી જાય.
નહિતર અહીંયાં કોઈને મૂંઝવણ થાય એવું છે કે પુરુષાર્થ કરતા પણ જો આવી અનિશ્ચિતતા હોય અને સ્વરૂપની પ્રાપ્તિ ન થતી હોય તો અનિશ્ચિતતા જ્યાં દેખાતી હોય ત્યાં વિશ્વાસથી કામ ન થાય. કોઈ પણ માણસ કાર્ય ક્યારે કરે છે કે સામે એ કામ કરતા લાભ બરાબર દેખાતો હોય કે ચોક્કસ આટલી મહેનત કરતા એનું આ ફળ મળવાનું છે. માટે આપણે કરો. તો એને એ કરવા સંબંધમાં જોર રહે છે. પણ જે કાર્યના ફળની અનિશ્ચિતતા હોય એ કાર્ય કરવામાં જીવ પહેલેથી જ કેવી રીતે આવે ? કોને ખબર આ મહેનત સફળ થાશે કે અસફળ થાશે? આપણે તો કૂવો ખોદીએ છીએ પાણી નીકળે કે ન નીકળે. આપણા નસીબની વાત છે. પાણી નહિ નીકળે તો નિરાશા આવ્યા વગર રહેશે નહિ. પાણી નીકળશે તો આશાનો ઉદ્દભવ થયા વગર રહેશે નહિ. એવું આ નથી.
અનેક જીવો અનેક પ્રકારે મોક્ષમાર્ગ પામવા માટે પ્રયત્ન કરે છે ત્યારે યથાર્થ વિધિએ જ્યારે એ પ્રયત્ન નથી કરતા તોપણ એની ભાવના પોતાનું આત્મકલ્યાણ કરવાની હોવાને લીધે દર્શનમોહની મંદતા વકિચિત્ થાય છે. એમાં ચાર લબ્ધિ સુધી આવે છે. પાંચમી લબ્ધિએ પાછો પાછો પડે છે. પાછો સંસારપરિણામી થઈ જાય છે. આવું બને છે.
મુમુક્ષુ - સંસ્કાર પડે કે નહિ?