________________
બે બોલ
શ્રી સમયસાર વગેરે પરમાગમોનાં ઊંડાં હાર્દને સ્વાનુભવગત કરી શ્રી તીર્થંકરભગવાનના શુદ્ધાત્માનુભવપ્રધાન અધ્યાત્મશાસનને જીવંત રાખનાર આધ્યાત્મિક સંત પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સરળ તેમ જ સુગમ પ્રવચનો દ્વારા તેમનાં અણમૂલાં રહસ્યો મુમુક્ષુ સમાજને સમજાવ્યાં; અને એ રીતે આ કાળે અધ્યાત્મરુચિનો નવયુગ પ્રવર્તાવી, તેઓશ્રીએ અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ વિષમ ભૌતિક યુગમાં સમગ્ર ભારતવર્ષને વિષે તેમ જ વિદેશોમાં પણ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિભીની અધ્યાત્મવિદ્યાના પ્રચારનું જે આંદોલન પ્રવર્તે છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના ચમત્કારી પ્રભાવનાયોગનું અદ્ભુત ફળ છે.
આવા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનાં ટેઈપ-અવતીર્ણ, અધ્યાત્મરસભરપૂર પ્રવચનોનું પ્રકાશન કરવાનો અવસર પ્રાપ્ત થવો એ પણ આપણું પરમ સૌભાગ્ય છે. તદ્નુસાર શ્રીમદ્ યોગીન્દુદેવ વિરચિત ‘પરમાત્મપ્રકાશ’ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું સંકલન પ્રકાશિત કરતાં કલ્યાણી ગુરુવાણી પ્રત્યે અતિ ભક્તિભીની પ્રસન્નતા અનુભવીએ છીએ.
આ ‘પરમાત્મપ્રકાશ’ના પ્રવચનકાર પરમોપકારી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી શુદ્ધાત્મદૃષ્ટિવંત, સ્વરૂપાનુભવી, વીતરાગ દેવગુરુના પરમ ભક્ત, કુમારબ્રહ્મચારી, સમયસાર આદિ અનેક ગહન અધ્યાત્મશાસ્ત્રોના પારગામી, સ્વાનુભવણંદી ભાવશ્રુતલબ્ધિના ધણી, સતતજ્ઞાનોપયોગી, વૈરાગ્યમૂર્તિ, નયાધિરાજ શુદ્ધનયની પ્રમુખતા સહ સમ્યક્ અનેકાન્તરૂપ અધ્યાત્મતત્ત્વના અસાધારણ ઉત્તમ વ્યાખ્યાનકાર અને આશ્ચર્યકારી પ્રભાવના-ઉદયના ધારક અધ્યાત્યુગસ્રષ્ટા મહાપુરુષ હતાં. તેમનાં આ પ્રવચનોનું અવગાહન કરતાં જ અધ્યેતાને તેઓશ્રીનો ગાઢ અધ્યાત્મપ્રેમ, શુદ્ધાત્મ-અનુભવ, સ્વરૂપ તરફ ઢળી રહેલી પરિણતિ, વીતરાગ-ભક્તિના રંગે રંગાયેલું ચિત્ત, જ્ઞાયકદેવના તળને સ્પર્શનારું અગાધ શ્રુતજ્ઞાન અને સાતિશય પરમ કલ્યાણકારી અદ્ભુત વચનયોગનો ખ્યાલ આવી જાય છે.
પૂજ્ય ગુરુદેવે અધ્યાત્મનવનીત સમા આ ‘પરમાત્મપ્રકાશ'ની પ્રત્યેક ગાથાને સર્વ તરફથી છણીને, વિરાટ અર્થોને આ પ્રવચનોમાં ખોલ્યાં છે. અતિશય સચોટ છતાં સુગમ એવા અનેક ન્યાયો વડે અને પ્રકૃત-વિષયસંગત અનેક યથોચિત દૃષ્ટાંતો વડે પૂજ્ય ગુરુદેવે ‘પરમાત્મપ્રકાશ’ના અર્થગંભી૨ સૂક્ષ્મ ભાવોને અતિશય સ્પષ્ટ અને સરળ બનાવ્યા છે. જીવને કેવા ભાવ સહજ રહે ત્યારે જીવ-પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન સમજાયું કહેવાય, કેવા ભાવ રહે ત્યારે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાયું ગણાય, ભૂતાર્થ જ્ઞાયક નિજ ધ્રુવ તત્ત્વનો (અનેકાન્ત-સુસંગત) કેવો આશ્રય હોય તો દ્રવ્યદૃષ્ટિ યથાર્થ પરિણમી મનાય, કેવા કેવા