________________
૪૧૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
છે એ અમે જોયેલું છે તેના ઉપરથી આ યાદ આવ્યું કે આત્મામાં ઊંડા ઊંડા ઊતરો તો અનુભવ થાય છે.
શ્રોતા ઃ—જમીનમાં ઊંડા ઊતરે તો પૈસા પણ મળી આવે !
પૂજ્ય ગુરુદેવશ્રી :—પૈસા તો નસીબમાં હોય એને મળે પણ એ તો ધૂળ છે એમાં આત્માને કાંઈ લાભ ન થાય. જગતમાં એને શાહુકાર કહેવાય પણ એ સોજા છે—ઉપાધિ છે. હું પૈસાવાળો....હું પૈસાવાળો એમ માને છે પણ તું પૈસાવાળો છો ? તું તો જ્ઞાન ને આનંદવાળો છો એમ ભગવાન કહે છે. અહીં પણ એમ કહ્યું કે તું નિર્દોષ અખંડ ચિદાનંદસ્વભાવી છો પણ–એને પોતાના સ્વભાવની ખબર જ નથી. હું પૈસાવાળો ને શરીરવાળો અને આબરૂવાળો એમાં જ પોતાનું સર્વસ્વ માની લીધું છે.
શ્રોતા :—આત્મામાં ઊંડુ કેમ જવું સાહેબ !
પૂજ્ય ગુરુદેવશ્રી :શરીરનું લક્ષ છોડી, પુણ્ય-પાપનું લક્ષ છોડી; એક સમયની પર્યાયનું પણ લક્ષ છોડી આત્માનું લક્ષ કરવું તેનું નામ આત્મામાં ઊડે ગયો કહેવાય. આ આત્માના ઊંડા તળમાં અતીન્દ્રિય આનંદના ચોસલાં પડ્યાં છે. એકલો આનંદ જ નહિ, અતીન્દ્રિય જ્ઞાન છે, શાંતિ છે, પ્રભુતા છે. આત્મા અતીન્દ્રિય અનંત ગુણોથી ભરેલો પ્રભુ છે.
શરીર, વાણી, મન તે આત્મા નથી, પાપનો વિકલ્પ પણ આત્મા નથી. પુણ્યનો વિકલ્પ પણ નહિ અને એક સમયની પર્યાય એ પણ આખો આત્મા નથી. એક સમયમાં જે આખો વીતરાગ ચિદાનંદ અખંડ સ્વભાવી દ્રવ્ય છે, તેમાં દૃષ્ટિ દેવી તેનું નામ સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તેમાં રમણતા થવી તે સમ્યક્ચારિત્ર છે એમ ભગવાન કહે છે. આ રત્નત્રય સિવાયના બાકી બધાં થોથા છે. માટે જેને હિત કરવું હોય તેણે આવા રત્નત્રય પ્રગટ કરવાં.
નિશ્ચયથી રત્નત્રયપરિણત આત્મા જ સમ્યક્ત્વ છે, અન્ય સર્વ વ્યવહાર છે માટે આત્મા જ ધ્યાવવા યોગ્ય છે—ધ્યાન કરવા યોગ્ય છે. તો ધ્યાન એટલે શું ? —ધ્યેયમાં એકાગ્ર થવું તે ધ્યાન છે. નિર્દોષ વીતરાગ અખંડ આત્મા તે ધ્યેય છે તેને લક્ષમાં લઈને તેમાં સ્થિર થવું તે ધ્યાન છે. બહિર્મુખતાથી છૂટી, અંતરમુખ થઈ અંતરમાં અભેદ રત્નત્રયરૂપે પરિણમન થયું તે આત્મા જ નિશ્ચયથી સમ્યક્ત્વ છે. અન્ય સર્વ વ્યવહાર છે એટલે કે દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ હોય છે તે રાગ છે, નવતત્ત્વની ભેદવાળી શ્રદ્ધા એ પણ રાગ છે. એકલા ભેદનો અનુભવ કરવો એ તો મિથ્યાત્વ છે. માટે સારભૂત તો એક શુદ્ધાત્મા છે તેનું ધ્યાન કરવાયોગ્ય છે.
જેમ દ્રાક્ષ, કપૂર, ચંદન આદિ ઊંચી ઊંચી વસ્તુ નાખીને ઉનાળામાં દૂધીયું બનાવવામાં આવે છે તેમાં અનેક વસ્તુનો રસ હોવા છતાં અભેદનયથી એક ‘પીણું' જ કહેવામાં આવે