________________
* શ્લોક-૧૯ અર્થ – અનિવેશ ધારણ કરનારને જો ધનની આશા હોય, મુનિવેશ ધારણ કરનાર જો વિષયોનો અભિલાષી હોય, રસલોલુપ હોય તો તેના જેવી અધિક વિડંબના બીજી કોઈ નથી. ભાવાર્થ – અનિવેષ ધારણ કર્યા અગાઉ શુદ્ધ વૈરાગ્ય કે જે જ્ઞાનગર્ભિત વૈરાગ્યના નામથી ઓળખાય છે તે પ્રાપ્ત થવો જોઈએ. તેવા વૈરાગ્યથી સંસારનું ખરું સ્વરૂપ સમજાય છે, સર્વ પદાર્થ અનિત્ય ભાસે છે, અર્થ અનર્થનું મૂળ છે એમ ખાતરી થાય છે. ઇન્દ્રિયોના વિષયોએ જ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવ્યું છે એમ સમજાય છે. પાંચ ઇન્દ્રિયોમાં રસેન્દ્રિય વધારે બળવાન છે અને તેના વશવર્તીપણાથી પ્રાણી ભક્ષ્યાભઢ્યનો વિવેક ચૂકી જાય છે એ વાત અનુભવથી સિદ્ધ થયેલી હોય છે, એટલે પછી દઢ વૈરાગ્ય વડે ચારિત્ર લઈ મુનિવેષ ધારણ કર્યા બાદ તેને ઉપર શ્લોકમાં કહેલી વિડંબના પ્રાપ્ત થતી નથી. છતાં જો ચારિત્ર લેવાના કારણભૂત થયેલ વૈરાગ્ય મોહગર્ભિત કે દુ:ખગર્ભિત હોય અથવા કોઈ પ્રબળ પૂર્વકર્મનો ઉદય થઈ જાય તો આ કાવ્યમાં કહેલી વિડંબના જીવને મુનિપણામાં પણ પ્રાપ્ત થાય છે. તેને માટે કર્તા કહે છે કે – જો મુનિવેષ ધારણ કર્યા છતાં પણ દ્રવ્યસંચય કરવાની ઈચ્છા થાય, વિષયની અભિલાષા થાય અને રસેન્દ્રિયની લોલુપતા થાય તો તે પ્રાણી ભવ તરી જવાને બદલે આ અમૂલ્ય મનુષ્યભવ હારી જાય છે અને વિશેષ કર્મબંધ કરી દુર્ગતિમાં ચાલ્યો જાય છે. આ હકીકત બહુ ધ્યાન આપવા લાયક છે. એક વાતનો સ્વીકાર કર્યા અગાઉ બહુ વિચાર કરવો, પણ સ્વીકાર કર્યા પછી તો પ્રાણાંતે પણ તેનો ત્યાગ કરવો નહીં અથવા તેમાં દોષ લગાડવા નહીં. આ ઉત્તમ જનોની પદ્ધતિ છે અને તેથી જ તેઓ કોઈ પણ કાર્યનો સ્વીકાર કર્યા અગાઉ દીર્ઘ વિચાર કરે છે. અન્ય મનુષ્યોએ પણ તે જ પદ્ધતિ સ્વીકાર કરવા યોગ્ય છે.