________________
૫૬
હૃદયપ્રદીપ
અર્થ સર્વ ઠેકાણે હંમેશાં સર્વ પ્રાણીની પ્રવૃત્તિ દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ માટે જ હોય છે, છતાં દુઃખ નાશ પામતું નથી અને સુખ કોઈનુંય સ્થિરતાને પામતું નથી.
1
ભાવાર્થ સુખાભિલાષી પ્રાણીઓ અવિચ્છિન્ન સુખને ઇચ્છે છે, પરંતુ તેમનો પ્રયત્ન તેવા સુખની પ્રાપ્તિ થાય તેવા પ્રકારનો હોતો નથી. માત્ર ઇચ્છા કરવાથી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નંથી. તઘોગ્ય પ્રયત્નની આવશ્યકતા છે. સારાં અને મીઠાં ફળ ખાવાની ઇચ્છા કરનારે તેવાં વૃક્ષો વાવવાં જોઈએ અને તેને ઉછેરવાં જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ તો તેનાં મીઠાં ફળ ચાખી શકાય; પણ ઝાડ તો બાવળ અને બોરડીનાં વાવે અને ફળ આંબાનાં ચાખવા ઇચ્છા કરે તે કોઈ કાળે બની શકે નહીં. તેવી મિથ્યા ઇચ્છા પૂરી થાય જ નહીં. તેમ ઇચ્છા સુખની કરનારે સુખ શાથી પ્રાપ્ત થાય છે? તેનાં ખરાં કારણો વિચારવાં જોઈએ અને તે તે કારણો સેવવાં જોઈએ. પરોપકાર, સત્યતા, દયા, પ્રામાણિકપણું, સદાચાર, અલ્પારંભીપણું, તૃષ્ણાની મર્યાદા, નિર્લોભી વૃત્તિ, ક્ષમા, નિરભિમાનીપણું, સરલતા, પરનિંદાનો ત્યાગ, સદ્ગુરુની સેવા, ધર્મશ્રવણ, સુદેવની ભક્તિ, સત્તીર્થયાત્રા, વડીલોની પર્યુપાસના, દીન જનો ઉપર અનુકંપા, સુપાત્રદાન ઇત્યાદિ અનેક કારણો આ ભવમાં પુણ્ય બંધાય તેવાં અને પરભવમાં અવિચ્છિન્ન સુખ આપે તેવાં છે અને તેનાથી વિપરીત કારણો આ ભવમાં પાપ બંધાય તેવાં અને પરભવમાં દુ:ખ આપે તેવાં છે. તેથી જો સાચા સુખની અભિલાષા હોય તો સુખનાં કારણો સેવવાં જોઈએ. જેમ બને તેમ કર્મબંધ અલ્પ થાય તેવાં પરિણામમાં વર્તવું જોઈએ. તેમ કરવાથી સુખનો અનુબંધ થશે. કદી પૂર્વજન્મકૃત પાપના ઉદયથી દુઃખ ભોગવવું પડશે તો તે પણ અલ્પ રસ આપશે અને અલ્પ કાળમાં સમાપ્તિ પામી જશે.