________________
પ્રસ્તાવના
‘દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે.’ (પત્રાંક-૧૩૩)
પરમ જ્ઞાનાવતાર,સનાતન વીતરાગમાર્ગના ઉદ્ધારક, પ્રચંડ આત્મપરિણામી, અપ્રમત્ત યોગીશ્વર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનિર્દિષ્ટ સત્પંથ ઉપર વિચરનારા તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈની આત્મશ્રેયસ્કારી નિશ્રામાં અમે, ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર'ના મુમુક્ષુઓ, છેલ્લા બે દાયકાથી અમારાં આત્મલક્ષનું પરિપ્રેક્ષણ અને અધ્યાત્મરુચિની પરિપુષ્ટિ કરી રહ્યા છીએ. જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો જે વીતરાગપુરુષોનો મૂળ માર્ગ, તેનું રહસ્ય તેઓશ્રીની સામર્થ્યમયી નિશ્રા અને અદ્ભુત શૈલીના બળે સમજવા-પામવા અમે પ્રયત્નરત છીએ. પૂજ્યશ્રી રાકેશભાઈના અમૂલ્ય માર્ગદર્શન અનુસાર અમારી આધ્યાત્મિક સાધના સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારે પ્રેમોલ્લાસપૂર્વક પ્રગતિરત રહે છે. આ સાધના અંતર્ગત પ્રતિવર્ષ પર્યુષણ પર્વ નિમિત્તે, શુદ્ધ મોક્ષમાર્ગની આરાધનામાં ઉપકારી થાય એવા કોઈ એક અનુભાવક ગ્રંથવિશેષ ઉપર સ્વલક્ષી અધ્યયન-સત્સંગની સાધના પણ સમાવિષ્ટ થયેલ છે.
પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન જાત અને જગતનું યથાર્થ સ્વરૂપ દર્શાવી, સ્વ-પર ભેદવિજ્ઞાનની આરાધનામાં પ્રેરતી આધ્યાત્મિક સત્સંગશ્રેણી દ્વારા પૂજ્યશ્રી રાકેશભાઈ, પૂર્વનિર્ધારિત પરમાર્થપ્રધાન ગ્રંથના વિષયની વિશિષ્ટ છણાવટ કરી, વર્ષોવર્ષ આ પર્વને તથા એ દરમ્યાન થતી સાધનાને અધિકાધિક જોમવંતી અને હેતુલક્ષી બનાવી રહ્યા છે. ગત વર્ષોનાં પર્યુષણ પર્વ દરમ્યાન તેઓશ્રીએ અનેક સત્કૃતિઓનો આધાર લઈ, વ્યવહારનિશ્ચયની સંધિરૂપ, અતીન્દ્રિય નિજસુખની પ્રાપ્તિના માર્ગનો