________________
સામ્યશતક શ્લોક-૩૯
उच्चस्तरमहंकारनगोत्संगमसौ श्रितः ।
युक्तमेव गुरुन्मानी मन्यते यल्लघीयसः ।। અર્થ - અભિમાનરૂપ પર્વતના ઊંચા ઉત્સંગમાં રહેલો અભિમાની પુરુષ, ગુરુને લઘુ (મોટાઓને નીચા) માને છે તે યુક્ત જ છે! ભાવાર્થ – જેમ પર્વત ઉપર ચઢેલી વ્યક્તિને તળેટીમાં રહેલા લોકો નાના દેખાય છે, તેમ અભિમાનના પર્વત ઉપર ચઢેલા અહંકારી જીવને બીજા બધા તુચ્છ, નગણ્ય, હલકા લાગે છે. તે બીજાના ગુણને અવગુણરૂપે ખતવે છે અને પોતાના અવગુણને ગુણરૂપે માને છે. પોતાના કરતાં વિશેષ ગુણવાળા, ઉચ્ચ દશાવાળા તેને પોતા સમાન પણ નહીં, નીચા લાગે છે અને પોતે એમનાથી ચડિયાતો છે એમ તેને ભાસે છે. તે એટલો ઉદ્ધત હોય છે કે ગુણીજનોનો આદર તો કરતો નથી પણ એમનો તિરસ્કાર કરે છે. અહંકારી જીવની આવી જ પ્રતિક્રિયા હોય તેમાં કોઈ આશ્ચર્ય નથી.