________________
૨૪
સામ્યશતક
બ્લોક-૨૪
तद्विवेकसुधांभोधौ स्नायं स्नायमनामयः ।
विनयस्व स्वयं रागभुजंगम महाविषम् ॥ અર્થ – (હે આત્મ!) સ્વયં વિવેકરૂપ અમૃતના સમુદ્રમાં સ્નાન કરી, તંદુરસ્ત થઈ, રાગસર્પના તીવ્ર વિષને દૂર કર. ભાવાર્થ – અનાદિથી જીવ સ્વસ્વરૂપને વીસરી ગયો છે અને તેણે કર્મકૃત વ્યક્તિત્વને સ્વ માની એમાં અહંબુદ્ધિ, પરમાં મમબુદ્ધિ કરી છે. પોતાથી તદ્દન ભિન્ન એવા પર પ્રત્યેનું આ રાગરૂપી વિષ તેને ચિરકાળથી અસ્વાથ્ય પ્રદાન કરતું રહ્યું છે. આ વિષથી છૂટવું હોય, નીરોગી થવું હોય તો સ્વપરનો વિવેક પ્રગટાવવો જોઈએ. સાર-અસાર, ધર્મ-અધર્મ, હેય-ઉપાદેય, સત્ય-અસત્ય સમજાતાં જીવની પરમાં રહેલી આસક્તિ તૂટે છે, તેનો રાગ બળહીન થાય છે. અનાદિનું રાગ સર્પનું વિષ એટલું બધું તીવ્ર છે કે વિવેકના અમૃતસમુદ્રમાં જો તે નિરંતર સ્નાન કરે તો જ તે એનાથી મુક્ત થઈ શકે, સ્વસ્થ થઈ શકે.