________________
ચંદેસુ નિમ્મલયરા,
આઇરચેસુ અહિયં પયાસયરા ।
સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમદિસંતુ ।।
આવો ઉપમાઓ દ્વારા અનુપમની ઓળખાણ કરીએ. શબ્દોથી શબ્દાતીતનું સન્માન કરીએ. રૂપોથી રૂપાતીતને રૂપસ્થ કરીએ. સ્વલોકમાં આત્મસ્થ કરીએ. આપણે ક્યાં ઓળખીએ છીએ પરમ તત્ત્વને? આપણે તો ઓળખીએ છીએ ચાંદ સૂરજ ને. સમયાતીતનું કાળાતીતનું આપણને ક્યાં જ્ઞાન છે. આપણે તો જોઇએ છીએ, અને સમજીએ છીએ, પણ એની વિશાળતા, ગંભીરતા અને ઉંડાઇને માપી તો નથી શકતા. કદાચ વૈજ્ઞાનિક સાધનો દ્વારા આ બધું માપી પણ શકાતું હોય તોયે પ્રભુની પ્રભુતા અને ગંભીરતાનું જ્ઞાન કેવી રીતે થઇ શકે ? તો પણ સંસારમાં દેખાતા પદાર્થોની ઓળખાણ થવાથી એ જ આલંબનોથી આપણે ભગવત્ સ્વરૂપને ઓળખવું છે. સ્વ રૂપને પીછાણવું છે.
કોઇ પણ ઓળખાણ જ્યારે ભગવાન બનવા જાય છે ત્યારે ભગવાન પણ ઓળખાણ બની જાય છે. તો ચાલો ચંદ્ર સૂરજને નિરખીએ અને પરમતત્ત્વને પોકારીએ. ઓળખીએ એ સાગરને અને જાણીએ “સાગરવર ગંભીરા” ને. હવે આપણે પેલા પ્રકૃતિને નીરખશું. પછી સ્વ નું અવલોકન કરીશું. ત્યાર બાદ પરમ તત્ત્વનાં દર્શન કરી જાતે દર્શનીય બની જશે.
ચંદ્રની નિર્મળતા એની ચાંદની છે. નિર્મળતાની સાથે પૂર્ણતા હોય છે. ચંદ્રની નિર્મળતા જ્યારે પૂર્ણતા પ્રગટ કરે છે ત્યારે તે પૂર્ણિમા કહેવાય છે. સુદ એકમ થી પૂનમ સુધી ચાંદો થોડો થોડો ખીલતો રહેછે. જેટલા અંશે એ વધે છે જેટલી કળા તેમાં પ્રગટ કરે છે. એ દ્વારા એકમ, બીજ, ત્રીજ વગેરે તિથિઓ કહેવાય છે. બીજ, ત્રીજને દિવસે ચાંદો તો જેટલો હોય તેટલો જ રહે છે. પણ આપણે એની પૂર્ણતાને જોઇ નથી શકતા. એ સમયે તેની કળાઓ અપ્રગટ થઇ જાય છે. સૂરજની જેમ ચંદ્ર અજવાળું નથી આપતો, તો પણ તેનું મહત્વ ખૂબ છે કેમકે તેના પ્રકાશમાં તેજ અને નિર્મળતા વધારે છે. તેજસ્વીતા માટે નિર્મળતા એની ગરિમા છે.
આપણો વિકાસ પણ ચંદ્રની જેમ આંશિક હોય છે. એકેંદ્રિય થી શરૂ કરી સંજ્ઞી પંચેદ્રિય સુધીનો આપણો પ્રવાસ મહત્વપૂર્ણ રહ્યો છે. સત્તામાં રહેલું આપણું પૂર્ણત્વ, અનંતજ્ઞાન, અનંત દર્શન, પૂર્ણ વીર્ય એકેદ્રિયમાં પણ હોય છે, પરંતુ તે આવરણમાં હોવાને લીધે અપ્રગટ રહે છે. સૂર્ય પોતેપ્રકાશ સ્વરૂપ છે. એના પ્રકાશમાં સંસાર સ્પષ્ટ થાય છે. પ્રકાશમાન બને છે. ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે.
“સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગન્તિ” એકાએક એક સાથે સૂર્ય સર્વે પદાર્થોને સ્પષ્ટ કરે છે. એક પછી એક પ્રદાર્થ સ્પષ્ટ થાય એવું અહીં નથી બનતું.
[125]