________________
૮૮)
મહાવીરનો વારસદાર કોણ?
ગર્ભિત છે. તેમ છતાં પાંચ પરમેષ્ઠી પદમાં મહત્વપૂર્ણ પદ ત્રણ છે. કારણકે મુક્તિની પ્રાપ્તિ માટે અનિવાર્ય પદ પાંચ નથી. અરિહંત, સિદ્ધ તથા સાધુ એ ત્રણ પદ મુક્તિની પ્રાપ્તિ માટે અનિવાર્ય પદ છે. આચાર્ય તથા ઉપાઘ્યાય એ બંને વૈકલ્પિક પરમેષ્ઠી પદ છે. જો કોઈ જીવ મુનિદશા દરમ્યાન આચાર્ય તથા ઉપાધ્યાય ન થાય, તો પણ તે મોક્ષ પામી શકે છે. જો કે કોઈ પણ જીવને સાધુ, અરહંત તથા સિદ્ધ પદ પામ્યા વિના મોક્ષ મળતો નથી. આમ, વીતરાગી પરમેષ્ઠીના સત્ય લક્ષણોને ઓળખવા જોઈએ તથા તેમાં દૃઢ શ્રદ્ધા પણ કરવી જોઈએ.
જેને વીતરાગી તત્ત્વની મહિમા હોય છે તેને વીતરાગી શુદ્ધતત્ત્વ મળ્યા બાદ અન્ય સ્થાને જવું કે સાંભળવુ રુચતું નથી. જેને જ્ઞાનીની મહિમા હોય, તેને જ્ઞાની સિવાય અન્ય કયાંય રુચતું નથી. એટલું જ નહિ, તે આત્માર્થીને ભગવાનમાં કોઈ ભેદ દેખાતા નથી. જેને વીતરાગતાની રુચિ થઈ હોય તેને આદિનાથ કે મહાવીરમાં ભેદ દેખાતા નથી. મહાવીરસ્વામી કે ગૌતમસ્વામીમાં ભેદ દેખાતા નથી વીતરાગતાનો ચાહક મહાવીરસ્વામી તથા ગૌતમસ્વામીને વર્તમાનમાં સિદ્ધ પરમાત્મા રૂપે દેખે છે. એવી જ રીતે જેને જિનવાણીમાં રુચિ થઈ હોય તેને સમયસાર કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં ભેદ જણાતો નથી. ત્યાં તેને એવો વિચાર આવતો નથી કે સમયસાર ગ્રંથ આચાર્યનું લખેલું છે તથા મોક્ષમાર્ગ પ્રકાશક પંડિતજી દ્વારા રચાયું છે. બસ, શાસ્ત્રના રચયિતા આત્મજ્ઞાની હોવા અનિવાર્ય છે, તો જ તેને જિનવાણી કહેવાય. છતાં પણ કોઈ મિથ્યાદષ્ટી આગમ પ્રમાણ તથા યુક્તિ વડે વીતરાગી વાણીનું લેખન કરે તો તે પણ જ્ઞાની પુરુષનો યોગ થવામાં મદદરૂપ બને છે અને તત્ત્વને સમજવા માટે સહાયક પણ થાય છે.
આત્માર્થી જીવ, સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ દ્વારા તત્ત્વનું સત્ય સ્વરૂપ જાણીને, અંતરંગમાં તેનો વિચાર કરીને ભેદજ્ઞાનના અભ્યાસથી આગળ જતા નિર્વિકલ્પ આત્માનુભૂતિ પામે છે. તેના માધ્યમથી જ આત્મા સિદ્ધત્વને પામીને અનંતકાળ સુધી અનંત સુખ ભોગવે છે.
દરેક જીવ ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતોને જાણે, માને તથા પોતાના જીવનમાં અપનાવીને અનંત સુખી થાય, એવી મંગળ ભાવના સાથે વિરમું છું.