________________
પોતાની વાત...
આધુનિક યુવાવર્ગને જ્ઞાનથી નહિ, પણ વિજ્ઞાનથી ધર્મ સમજવો છે. આજે આગમ પ્રમાણથી તત્ત્વજ્ઞાનને સમજવા ઈચ્છતા જિજ્ઞાસુ મળવા અતિ દુષ્કર છે. આ સ્થિતિમાં ભગવાન મહાવીર તથા તેમના દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતોને તર્ક, યુક્તિ તથા દ્રષ્ટાંત દ્વારા પ્રસારિત કરી શકાય છે. શતાધિક દ્રષ્ટાંતો સહિત તર્કશૈલીમાં લખાયેલી “મહાવીરનો વારસદાર કોણ?' કૃતિ અધતન સમાજને તત્ત્વનું પ્રાથમિક અધ્યયન કરવામાં લાભદાયી નીવડશે.
જ્યારે જ્યારે અધર્મનો પ્રભાવ વધતો જાય છે, ત્યારે ત્યારે તે અધર્મનો અભાવ કરવા માટે “મહાવીરનો વારસદાર કોણ?' જેવી પ્રભાવશાળી કૃતિનો ઉદ્ભવ થાય છે. ભગવાન મહાવીરના અભાવમાં નિજ આત્માના સ્વભાવમાં સ્થિર થવાના માર્ગનો લોપ ન થાય તથા સામાન્ય જન પણ વીતરાગ ધર્મને સમજીને રાગ-દ્વેષરૂપી વિકારી ભાવથી મુક્ત થાય એ ઉદ્દેશ્યથી નિરપેક્ષ ભાવપૂર્વક મહાવીરનો વારસદાર કોણ?' લખવાનું કાર્ય સંપન્ન થયું છે. મને આશા છે કે સમાજને આ પુસ્તકના માધ્યમથી સત્ય તત્ત્વની સત્ય સમજણ થશે.
જે જીવ સમસ્ત પ્રકારના પક્ષપાતને છોડીને આ પુસ્તકનું અધ્યયન કરશે તે નિશ્ચિતરૂપે ભગવાન મહાવીર દ્વારા કથિત સિદ્ધાંતોથી સુપરિચિત થશે. એ વાત યાદ રહે કે કોઈને શનિનો ગ્રહ નડતો નથી, કોઈને મંગળનો ગ્રહ નડતો નથી, કોઈને રાહુનો ગ્રહ નડતો નથી. જો કોઈને કંઈ નડે છે તો એક માત્ર ‘આગ્રહ'. જે જીવ પોતાનો આગ્રહ છોડી દે તો તે પોતે મહાવીરનો વારસદાર થઈ શકે છે.
- વર્તમાનમાં ફેલાઈ રહેલી સામાજિક વિકૃતિને લક્ષ્યમાં લેતા એવું તારણ નીકળે છે દરેક વ્યક્તિને વર્ધમાનનો વારસદાર બનવું છે, પણ મહાવીરનો વારસદાર થવું નથી. વર્ધમાન રાજકુમાર હતા, મહાવીર ભગવાન હતા. વર્ધમાનનો વૈભવ પાંચ ઈન્દ્રિયના વિષય ભોગ હતા, મહાવીરનો વૈભવ જિતેન્દ્રિયપણું હતું. વર્ધમાન તો પોતાનો વારસો ત્યાગીને વન પ્રયાણ કરી ગયા જ્યારે મહાવીર પોતાનો વારસો લઈને સિદ્ધદશાને પામ્યા. જે જીવ પોતે પણ વીતરાગ દશા પામે તે મહાવીરનો અસલી વારસદાર કહેવાય.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત થતા સાચા દેવ-શાસ્ત્ર- ગુરુને મન-વચન-કાયાથી સાવધાનીપૂર્વક નમસ્કાર કરું છું. જ્ઞાનીના ઉપકારનો