________________
નિવેદન
અધ્યાત્મયોગી શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દ્વારા રચિત આ પંચાસ્તિકાય ગ્રન્થ પ્રસિદ્ધ છે. આ મૂળ ગ્રન્થની ગાથાઓ પ્રાકૃત ભાષામાં છે. તે ગાથાઓનું ગુજરાતી ભાષાન્તર શ્રીમદ્ રાજચંદ્રજીએ એવી ધારાવાહી શૈલીમાં કર્યું છે કે જાણે, શ્રીમદ્ કુંદકુંદાચાર્ય ગુજરાતી ગદ્યમાં સ્વયં લખતા હોય, એમ જ લાગે. શ્રીમદ્જીએ તેના ઉપર ટીકા કે વિવેચન કાંઈ કર્યું નથી. માત્ર મૂળ પદ્યગાથાઓમાં અધ્યાહાર રાખેલો અર્થ ગદ્યમાં ઉતારતાં સંબંધ સાધવા કે સ્પષ્ટ અર્થ થવા જે કંઈ શબ્દો ઉમેરવા યોગ્ય લાગ્યા છે તે કૌનમાં મૂકેલા છે. કોઈ વિચારવંત જીવને એ મહાન આચાર્યને વિશ્વતત્ત્વ વિષેનો ઉપદેશ હૃદયગત થઈ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે અર્થે આ ' - ભાષાંતર થયેલું છે.
પ્રસ્તુત પુસ્તકમાં ૧. શ્રીમદ્ કુંદકુંદાચાર્યકૃત મૂળ પ્રકૃત ગાથાઓ ૨. તેની સંસ્કૃત છાયા, ૩. પછી અર્થરૂપે કરેલ શ્રીમદ્ રાજચંદ્રજીનું ગુજરાતી ભાષાંતર અને ૪ પૂ. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ તેના ઉપર કરેલ વિવેચન ક્રમશ: આપવામાં આવેલ છે, જેથી અભ્યાસીઓને સંપૂર્ણ ગ્રન્થ સમજવામાં સુગમતા રહે.
શ્રીમદ્જી કૃત ભાષાંતરમાં થોડીક ગાથાઓના અર્થ કોઈ કારણવશાતુ નથી પણ પૂ. શ્રી બ્રહ્મચારીજી કૃત વિવેચનમાં બધી ગાથાઓના અર્થ હોવાથી તેનો સમાવેશ કરી આ ગ્રન્થ પૂર્ણ કરેલ છે.
વાચકવર્ગ આ લઘુ ગ્રન્થનો સદુપયોગ કરી આત્માર્થ સાધે, એ જ ભાવના સહ વિરમું છું.
-પ્રકાશક