________________
પરિશિષ્ટ
પ્રકરણ
૧
પ્રમાણજ્ઞાન, શ્રુતજ્ઞાન અને નયનું સ્વરૂપ
-
પાંચેય પ્રકારના જ્ઞાન પ્રમાણ છે. મતિજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધી જે પણ જ્ઞાન સમ્યક્ છે, તે બધાં પ્રમાણજ્ઞાન છે.
એ પાંચ પ્રકારના જ્ઞાનોમાં એક શ્રુતજ્ઞાન નામનું જે જ્ઞાન છે, તેમાં જ નય હોય છે, બાકીના ચાર જ્ઞાનોમાં નય હોતાં નથી. કહ્યું પણ છે ને કે શ્રુતવિવvાઃ નયાઃ - શ્રુતજ્ઞાનના વિકલ્પને નય કહે છે. ‘વિકલ્પ’ નો અર્થ ભેદ થાય છે. શ્રુતજ્ઞાન વસ્તુમાં ભેદ કરીને એક અંશને મુખ્ય કરે છે અને બીજા અંશને ગૌણ કરે છે. આ મુખ્ય-ગૌણની વ્યવસ્થા માત્ર શ્રુતજ્ઞાનમાં છે, અન્ય કોઈ પણ જ્ઞાનમાં નથી. પ્રમાણજ્ઞાનમાં બધા પક્ષો મુખ્ય જ રહે છે.
આચાર્ય અમૃતચંદ્રદેવે જ્યારે શ્રુતજ્ઞાનના સ્વ-પર પ્રકાશકપણાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું, ત્યારે તેઓએ કેવળી ભગવાનનું ઉદાહરણ આપ્યું છે. જે રીતે કેવળી ભગવાન સ્વ અને પરને એક સાથે જાણે છે. તેવી જ રીતે શ્રુતજ્ઞાનમાં પણ સ્વ અને પર એક સાથે ભાસે છે.
જે અંદરમાં નિરપેક્ષતત્ત્વ છે, તે અપેક્ષાઓથી જ સમજી શકાય છે. એ તત્ત્વ તો નિરપેક્ષ છે અને નિરપેક્ષનો અર્થ છે કે જે અપેક્ષાઓથી એ તત્ત્વને સમજાવવામાં આવે છે, તે અપેક્ષાઓથી એ તત્ત્વ રહિત છે. અપેક્ષાઓ વસ્તુમાં લગાવવાની નથી, તેને સમજવામાં લગાવવાની છે. આ અપેક્ષાઓ તો શ્રુતજ્ઞાનમાં લાગે છે, નયોમાં લાગે છે. આ અપેક્ષાઓનો નિષેધ પણ કરી શકાતો નથી; કારણ કે અપેક્ષાથી ઈન્કાર કરવનું તાત્પર્ય નયોથી જ ઈન્કાર કરવા બરાબર છે.