________________
સ્વાધ્યાય સંચય : ૬૭
જે રાજનીતિનિપુણતામાં ન્યાયતંતા નીવડ્યા, અવળા કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદુર ટેક ધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭
ધર્મ વિષે
(કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું, વિદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું. ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી, કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકળ સિદ્ધાંતથી; મહામોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી, અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધરો, ખરેખર ખાંતથી. ૨