________________
સ્વાધ્યાય સંચય : ૪૦૧
આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલોજી આવ્યાની વધામણી,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે તરિયા તોરણ તો બંધાવિયા, હે મારા વાલાજીને મોતીડે વધાવિયા,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે લીલુડા વાંસ વઢાવિયે, હે મારા વાલાજીનો મંડપ રચાવિયે,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. પૂરો પૂરો સોહાગણ સાથિયો, હે વાલો આવે મલપતો હાથિયો,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે જમુનાનાં જળ મંગાવીએ, હે મારા વાલાજીના ચરણ પખાળીએ,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. સહુ સખીઓ મળીને વધાવીએ, હે મારા વાલાજીના મંગળ ગવરાવીએ,
હો રે આજની ઘડી તે રળિયામણી. જીરે તન મન ધન ઓવારીએ, હે મારા વાલાજીની આરતી ઉતારીએ,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે રસ વધ્યો છે અતિ મીઠડો, હ મહેતા નરસૈયાનો સ્વામી દીઠડો,
હો જીરે આજની ઘડી રળિયામણી.