________________
શ્રીમદ્ રાજચંદ્ર કે મહાવિભૂતિ-ભાગ ૩
કવન અધ્યાત્મપ્રધાન હોઈ સર્વત્ર આત્માનું સંકીર્તન છે. બન્નેની શૈલી સીધી, સાદી, સરલ, સહજ, સુપ્રસન્ન અને માધુર્ય અમૃતથી સભર ભરેલી છે. એમનો એકેક અક્ષર આત્માનુભવરૂપ તીવ્ર સંવેદનથી અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલો સુપ્રતીત થઈ, સહૃદય શ્રોતાના હ્રદય સોંસરો નીકળી જાય એવો વેધક અને માર્મિક છે. બન્નેનો આશય પરમાર્થપૂર્ણ ‘સાગરવરગંભીર' છે. આમ સામાન્યપણે આ બન્ને જ્ઞાની મહાત્માઓનું સામ્ય સમજાય છે.
૨૭૫
અને છેવટે એટલું ઉમેરવું યોગ્ય થઈ પડશે કે કાકાસાહેબ કાલેલકરે શ્રીમદ્ રાજચંદ્રને માટે ‘પ્રયોગવીર' એવો સૂચક અર્થગર્ભ શબ્દ પ્રયોજ્યો છે, તે સર્વથા યથાર્થ છે. શ્રીમદ્ ખરેખર પ્રયોગવીર જ હતા. પ્રયોગસિદ્ધ સમયસારનું દર્શન કરવું હોય કે પરમાત્મપ્રકાશનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ સમાધિશતકનું દર્શન કરવું હોય કે પ્રશમરતિનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ યોગદષ્ટિનું દર્શન કરવું હોય કે આત્મસિદ્ધિનું દર્શન કરવું હોય, તો જોઇ લ્યો ‘શ્રીમદ્’! તે તે સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણિત કરેલા ભાવનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ જોઇતું હોય તો જોઈ લ્યો શ્રીમદ્દ્ન જીવનવૃત્ત ! અને શ્રીમદ્ એવા પ્રત્યક્ષ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલા પુરુષ છે, એટલે જ એમણે પ્રણીત કરેલ ‘આત્મસિદ્ધિ’ આદિમાં આટલું બધું અપૂર્વ દૈવત પ્રગટ અનુભવાય છે. બાકી તો ‘સત્’ ને પ્રકાશિત કરવાને કોઈના પ્રમાણપત્રની કે સીફારસની જરૂર નથી. સત્પુરુષ તો સ્વરૂપથી ‘સત્' હોઈ સૂર્ય સમા સદા સ્વયં પ્રકાશમાન અને સુદા જયવંત જ છે. તેમની નિર્વિકાર વીતરાગ મુદ્રામાં, નિર્દોષ ચારિત્રમય ચરિત્રમાં, અને નિર્મલ સહજ સ્વયંભૂ વચનામૃતમાં સાધુચરિત શ્રીમનું યથાર્થ આત્મજીવન પ્રત્યક્ષ · પ્રતિબિંબિત છે. સ્વસ્વ યોગ્યતા પ્રમાણે પાત્ર જીવો તે પ્રતિબિંબ ઝીલી
આત્મપ્રકાશ પામે છે ને પામશે.
(અનુષ્ટુપુ) શ્રીમદ્ જ્ઞાનશ્રીસંપન્ન, વંઘ જે બુધવૃન્દને; ભગવાનદાસ તે વંદે, યોગીન્દ્ર રાજચંદ્રને