________________
શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૧
૨૬૭
જાગ્યા હતા, એવા આ પૂર્વના પ્રબળ આરાધક પુરુષ આ જન્મમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસ વિના પંદર-સોળ વર્ષની વય પૂર્વે સર્વ આગમશાસ્ત્રો ને દર્શનગ્રંથો અવગાહી ગયા હતા, એટલું જ નહિ પણ તેના ફળપરિપાકરૂપ મોક્ષમાળા-ભાવનાબોધ આદિ પ્રૌઢ ગંભીર દર્શનપ્રભાવક ગ્રંથો તેમણે ગૂંથ્યા હતા! અસાધારણ ક્ષયોપશમી ને અસામાન્ય પ્રતિભાસંપન્ન આ સાક્ષાત સરસ્વતી' નું બિરુદ પામેલા શતાવધાની કવિએ તેટલી નાની વયે, મુંબઈ નગરીમાં મુખ્ય ન્યાયાધીશના (Chief justice) પ્રમુખપદે મળેલ સભામાં શતાવધાનના અદ્વિતીય પ્રયોગ કરી બતાવી, સર્વને આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. પણ તેમનો નૈસર્ગિક લક્ષ કેવળ આત્માર્થ ભણી જ હોઈ, ઓગણીસ વર્ષની વય પછી તેવા બાહ્ય પ્રયોગો પણ તેમણે છોડી દીધા હતા; અને જગતની દષ્ટિથી લગભગ અદશ્ય-અલોપ જેવા થઈ જઈ, કેવલ અધ્યાત્મમાં લીન થઈ ગયા હતા. આત્મામાં સમાઈ ગયા હતા.
આવો અપૂર્વ આત્મસંયમ જેણે દાખવ્યો હતો એવા શ્રીમદ્ ઝવેરાતનો વ્યવસાય કરતાં છતાં અહોનિશ તેમનું ચિંતન તો પરમાર્થનું જ હતું, અને વારંવાર તેઓ નિવૃત્તિ સમય મેળવી ગુજરાતના જંગલોમાં મહીનાના મહીના સુધી આત્મધ્યાનમાં નિમગ્ન રહેતા. યથાયોગ્ય પરિપક્વ દશા ન થાય ને ગૃહવાસ ઉદયમાં હોય ત્યાં સુધી પ્રગટપણે માર્ગપ્રકાશ ન કરવો, “પરમાર્થ મૌન ધારણ કરવું એ મુદ્રાલેખ તેમને માન્ય હતો, અને તેમાં તેઓ ભગવાન મહાવીરના ઉત્તમ આદર્શને અનુસર્યા હતા, એમ તેમના સહજ ઉદ્ગારો પરથી ધ્વનિત થાય છે. અને પછી તથારૂપ યથાયોગ્ય પરિપક્વ દશા થયે, જ્યારે તેઓ બાહ્ય વ્યવહાર ઉપાધિથી નિવૃત્ત થઈ, સર્વસંગપરિત્યાગની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં તો અસાધ્ય રોગથી તેમનો દેહ ગ્રસ્ત થયો ને દુર્ભાગ્યે તે પ્રાણઘાતક 'નિવડ્યો. એટલે એમના પરમ આત્મલાભની પરમાર્થ મેઘવૃષાના લાભથી સમાજ વંચિત રહ્યો, એ આ વિષમ દુ:ષમ કલિકાલનો જ દોષ કહી શકાય. તથાપિ ‘સત્ય ધર્મના ઉદ્ધારરૂપ પરમાર્થમાર્ગની સુરેખ રેખાનો જે અપૂર્વ નિર્દેશ તેમણે કર્યો છે, તે પણ સાચા મુમુક્ષુ આત્માથીને અવંધ્ય-અચૂક માર્ગદર્શન કરાવવાને પરિપૂર્ણ સમર્થ છે.