________________
પ્રસ્તાવના...
પ્રાકૃત વ્યાકરણના ક્ષેત્રે એક સુસંસ્કૃત કાર્ય પ્રાકૃતભાષાનું બંધારણ, નીતિનિયમો, વાક્યરચના વગેરે અંગે છણાવટ કરતા અનેક વ્યાકરણ ગ્રંથો મધ્યકાળમાં રચાયા. કેટલાક મહત્ત્વપૂર્ણ ગ્રંથોનો ઉલ્લેખ કરીએ તો પ્રાકૃતપ્રકાશ (- વરરુચિ), પ્રાકૃતલક્ષણ (- ચંડ), પ્રાકૃતકામધેનુ (- લંકેશ્વર), પ્રાકૃતાનુશાસન (- પુરુષોત્તમ), પ્રાકૃતિકલ્પતરુ (- રામશર્મા તર્કવાગીશ), પ્રાકૃતસર્વસ્વ (- માકડય), સિદ્ધહેમ પ્રાકૃત વ્યાકરણ (- હેમચંદ્રાચાર્ય), પ્રાકૃત શબ્દાનુશાસન (- ત્રિવિક્રમ), પ્રાકતરૂપાવતાર (- સિંહરાજ), ષડ્રભાષાચંદ્રિકા (-લક્ષ્મીધર), પ્રાકૃતમણિદીપ (-અપ્પય્યદીક્ષિત), પ્રાકૃતાનંદ (-રઘુનાથ પંડિત), પ્રાકૃતચિંતામણિ (- શુભચંદ્રસૂરિ) વગેરે અનેક નામ નોંધી શકાય. જેમને વિશે ઉલ્લેખ મળતા હોય પણ અત્યારે અનુપલબ્ધ હોય તેવાં વ્યાકરણોની સંખ્યા પણ મોટી છે. તો આ વ્યાકરણો અને ઉપલબ્ધ પ્રાકૃત સાહિત્ય તથા અભિલેખ જેવાં સાધનોના આધારે, વિવિધ ભાષાઓના માધ્યમ દ્વારા પ્રાકૃત ભાષાનું શિક્ષણ આપતા પ્રાકૃત- માર્ગોપદેશિકા, પ્રાકૃતવિજ્ઞાન પાઠમાલા જેવાં પુસ્તકો પણ બહોળા પ્રમાણમાં રચાયાં છે. આ અંગે વિશદ જાણકારી માટે પ્રાકૃત સાહિત્ય કા ઇતિહાસ” (- ડૉ. જગદીશચંદ્ર જૈન, ચૌખંબા વિદ્યાભવન-વારાણસી, ઈ. ૨૦૧૪) જેવા ગ્રંથો અવલોકનીય છે.
ઉપલબ્ધ વ્યાકરણ ગ્રંથોમાં કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય વિરચિત સિદ્ધહેમપ્રાકૃતવ્યાકરણ એની વ્યાપકતા, ચોકસાઈ, ઉદાહરણ પસંદગી, વિશદતા જેવા ગુણોને લીધે મોખરાનું સ્થાન ધરાવે છે. ક્રમદીશ્વરના સંક્ષિપ્તસારના ૮ મા અધ્યાયની જેમ આચાર્યો સિદ્ધહેમશબ્દાનુશાસનના ૮ મા અધ્યાયરૂપે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપશાચી અને અપભ્રંશ એમ છ (અને વચ્ચે વચ્ચે દર્શાવાયેલા પ્રયોગોને પણ ધ્યાનમાં લઈને તો “આર્ષ ભાષા સહિત સાત) ભાષાઓના વિષયો સમજાવ્યા છે. પરવર્તી વ્યાકરણકારો પર આ વ્યાકરણનો ઊંડો પ્રભાવ દેખાય છે.
આ સિદ્ધહેમપ્રાકૃત વ્યાકરણ પર સ્વયં આચાર્યશ્રીએ એક વૃત્તિ રચી છે. આ વૃત્તિમાં સૂત્રગત તમામ બાબતો પર વિશદ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. નિયમોની સ્પષ્ટતા માટે ઢગલાબંધ ઉદાહરણપ્રત્યુદાહરણ આપવામાં આવ્યા છે. વૃત્તિની રચના એવી સરસ પદ્ધતિથી કરવામાં આવી છે અને ઉદાહરણો-પ્રત્યદાહરણોની ગોઠવણ એવી સુચારુ રીતે થઈ છે કે આવા માધ્યમથી પ્રાકૃતભાષાનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી અનાયાસે જ પ્રાકૃત ભાષામાં વ્યુત્પન્ન થઈ શકે.