________________
IX
પ્રાકૃત એ આપણી ભાષા છે, આપણાં શાસ્ત્રોની- આપણા આગમોની ભાષા છે, પ્રભુ વીરે જનસમૂહ સુધી આત્મકલ્યાણની વાત પહોંચાડવાના માધ્યમ તરીકે અપનાવેલી ભાષા છે. જૈનો માટે તો એ માતૃભાષા જેવું સમ્માન્ય સ્થાન ધરાવે છે. અઢી-અઢી હજાર વર્ષથી જૈન શ્રમણઓએ આ ભાષાના અધ્યયન-અધ્યાપનની પરંપરાને અશ્રુષ્ણ રાખી છે, આ ભાષામાં વિપુલ પ્રમાણમાં ધર્મસાહિત્ય અને લલિતસાહિત્ય રચ્યું છે, આ ભાષાને સાચવી છે - પોષી છે - રમાડી છે - લાડ લડાવ્યાં છે. હકીકત તો એ છે કે આ ભાષા વગર તો શાસ્ત્રોનાં રહસ્યોનો- આગમોના પરમાર્થનો પાર પામવો શક્ય જ નથી.
પણ કમનસીબીએ આજનું ચિત્ર કદાચ, નિરાશાજનક છે. જૈન શ્રમણવર્ગમાં પ્રાકૃત ભાષાના અધ્યયનની પરિપાટી બહુ જ ઝડપથી તૂટતી જાય છે. એક તરફ, પ્રાકૃતભાષાનો સંગીન અભ્યાસ કરાવી શકે તેવા અધ્યાપકોની ખોટ પડતી જાય છે, તો બીજી તરફ, શ્રમણવર્ગમાં પણ વ્યાકરણના અભ્યાસ પ્રત્યે અરુચિ વધતી જાય છે. આને લીધે જૈન સંઘ મૂળભૂત ઘણી ઘણી બાબતોથી લગભગ વંચિત થતો જાય છે. જૈનેતર ક્ષેત્રે તપાસીએ તો પણ પ્રાકૃતભાષાનું ભવિષ્ય ચિંતાજનક જ દેખાય છે. ગુજરાત યુનિવર્સિટી હોય કે અન્ય વિદ્યાલયોના પ્રાકૃત વિભાગ હોય - બધે લગભગ મરણાસન સ્થિતિ છે, પ્રાકૃતભાષાની. જાણવા મળ્યા પ્રમાણે તો ઘણે ઠેકાણે પ્રાકૃત વિભાગ જ ટૂંક સમયમાં બંધ પડે તેમ છે. સાચું કહીએ તો, જૈન સમાજ હોય કે જૈનેતર, નવા નીપજનારા પ્રાકૃતભાષાના જાણકારો પ્રમાણમાં નબળા જ હોય છે; સક્ષમ કે સમર્થ નહિ જ. બહુ બહુ તો આશ્વાસન લેવા પૂરતાં આમાં અપવાદ હોઈ શકે.
ખરેખર તો આપણે આજે જ ચેતી જવું પડે. વ્યાકરણના અધ્યયનના ફાયદા સંઘ અને સંયમી વર્ગની નવી પેઢીને ગળે ઉતારવા પડે. તે લોકોને પ્રેરણા આપીને એ ભણવા તરફ વાળવા-દોરવા પડે. અને જે થોડાક પણ સુતજનો ઉપલબ્ધ છે તેમનો લાભ લઈને વ્યાકરણના અધ્યયનની પરિપાટી પુન: વિકસિત થાય એ ચિરકાળજીવી થાય તેવા પ્રયાસો આદરવા જ જોઈએ.
પ્રસ્તુત પ્રકાશન એ પ્રયાસની દિશામાં જ મંડાયેલું એક નક્કર પગલું છે. આપણે એ પ્રકાશનનું સ્વાગત કરીએ, અંતરના ઉમળકાથી એને આવકારીએ.
- આ. શ્રી વિજયશીલચંદ્રસૂરિ - શિષ્ય મુનિ કૈલોક્યમંડન વિજય