________________
૨૭૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સહી પણ નહતા કરી શકતા. એમને દેખાવ સરળ હતો અને એમની જીવનપદ્ધતિ એથી પણ વધારે સરળ હતી, છતાં તેઓ એ વખતના ભારતના કેટલાક સુશિક્ષિત ને સુસંસ્કૃત માનવોની શ્રદ્ધાભક્તિ સંપાદન કરી શક્યા હતા. એમની અતિ વિરલ, અનુભવી શકાય એવી પ્રખર આધ્યાત્મિકતાની આગળ એમને મસ્તક નમાવવું પડતું. એમણે અમને શિખવાડયું કે આધ્યાત્મિકતાની સરખામણીમાં અભિમાન, ધન, ઐશ્વર્ય, દુન્યવી પ્રતિષ્ઠા તથા પદ ક્ષુલ્લક છે, કશી વિસાતમાં નથી, અને મનુષ્યને છેતરનારી ક્ષણભંગુર ભ્રમણ માત્ર છે. એ દિવસે અત્યંત આશ્ચર્યકારક હતા. અવારનવાર એ એવી અલૌકિક પ્રત્યક્ષ રીતે જોવા મળતી સમાધિમાં ઉતરી જતા કે એ વખતે એમની આગળ એકઠા થયેલા અમને એમ જ લાગતું કે એ માનવ નથી પણ ઈશ્વર છે. કેવળ એકાદ સ્પર્શથી પોતાના શિષ્યોની એવી અવસ્થાને અનુભવ કરવાની શક્તિ પણ એમનામાં હતી એ ખરેખર આશ્ચર્યકારક હતું. એ અવસ્થામાં પ્રત્યક્ષ અનુભવદ્વારા એ ઈશ્વરના ગૂઢ રહસ્યનું જ્ઞાન મેળવતા. પરંતુ મને એમણે કેવી રીતે પ્રભાવિત કર્યો એ કહી બતાવું.
મેં પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે શિક્ષણ મેળવેલું. મારું મગજ બૌદ્ધિક અભિમાનથી ભરેલું હતું. કલકત્તાની કોલેજોમાં મેં જુદે જુદે વખતે અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કરેલું. કલકત્તાથી થોડાક માઈલ પર નદીકાંઠે આવેલા દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણ નિવાસ કરતા હતા. વસંતઋતુના એક અવિસ્મરણીય દિવસે ત્યાં મને એમની મૂલાકાતને અને એમના સ્વાનુભવને પરિણામે પેદા થયેલા આધ્યાત્મિક વિચારો સીધીસાદી ભાષામાં સાંભળવાનો લાભ મળ્યો. એમની સાથે દલીલમાં ઊતરવાને નિર્બળ જેવો પ્રયાસ મેં કરી જોયો, પરંતુ એમની પવિત્ર હાજરીમાં મારું મોઢું તરત જ બંધ થઈ ગયું. એની અસર મારા પર એટલી બધી ઊંડી પડી કે એને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. મેં એમની અવારનવાર મુલાકાત લેવા માંડી. દીન જેવા દેખાતા નમ્ર ને દિવ્યા