________________
એકદા આ દંપતી વનક્રીડા કરવા પરિવાર-સુભટો આદિ સાથે લઇને જંગલમાં જાય છે. લતા વેલડીથી વિંટળાયેલા ઘટાદાર વૃક્ષ નીચે રાજારાણીના આસન નંખાયા વિશ્રામ માટે બંને બેઠા છે. પરિવાર સૈા પોતાની પ્રવૃત્તિમાં પડયા છે. રાજા જયાં બેઠો છે ત્યાં નજીકના સામે દેખાતા વૃક્ષનીચે મુનિભગવંત કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા છે. આ મુનિને રાજારાણીએ જોયા. જોતાંની સાથે બંનેએ હાથ જોડી પ્રણામ કર્યા. મુનિને દેખી હર્ષિત થયા.
મુનિભગવંત ધ્યાનમાં હતાં. રાજાએ પ્રણામ કર્યા. પછી રાણીને કહે છે- હે દેવી! આ મુનિભગવંત કેવા રુડા છે. યતિમાં શિરદાર છે. પોતાની આત્મસાધના કરતાં ધ્યાનમાં કેવા લીન બન્યા છે. ખરેખર! આ જગતમાં આવા વ્રતધારી મુનિભગવંતો સંત-મહાસંતોને ધન્ય ધન્ય છે. જેના વડે આ પૃથ્વી પવિત્ર બની જાય છે. રાજા મુનિભગવંતોના ગુણોમાં રકત બની ગુણગાન ગાઇ રહયો છે. રાણી રાજાની વાત એક ચિત્તથી સાંભળે છે. ત્યારબાદ રાણી કહેવા લાગી- હા સ્વામીનાથ! આપની વાત સાચી છે. પ્રસન્નતા મુખ ઉપર કેવી દીસે છે? ધ્યાનમાં મગ્ન છે. પણ છતાં તમે કહો તો આ મુનિભગવંતને ધ્યાનમાં વિચલિત કરી દઉં.
રાણી રાજા પાસેથી ઊઠીને મુનિભગવંત પાસે પહોંચી ગઇ. ધ્યાનમાંથી ચલાયમાન કરવા આવી છે.’મુનિ પાસે હાસ્ય વિનોદ કરવા લાગી, ટીખળ કરવા લાગી. છતાં મુનિભગવંત ધ્યાનમાં રહયા. વળી મુનિની દુર્ગંછા કરવા લાગી. . વળી પાછી ફરતી હસતાં હસતાં ઠઠ્ઠા મશ્કરી કરવા લાગી. મશ્કરી કરતાં આગળ વધીને મુનિનો ઓધો અને મુહપત્તિ પણ ખેંચી લીધા. અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી. પણ મુનિ ચલાયમાન નહિ થયા તેથી પ્રતિકુળ ઉપસર્ગ કરવા લાગી. મુનિને સંતાપવા લાગી. છતાં મુનિ ચલિત ન થયા. ધ્યાનમાં વધુ સ્થિર બન્યા. એકપણ ઉપાય રાણીનો મુનિને ચલાયમાન કરવ માં સફળ ન બન્યો. રાણીએ બાર ઘડી સુધી મુનિને સંતાપ્યા, છતાં મુનિ સ્થિરતાપૂર્વક ધ્યાનમાં છે. રાણી હારી થાકી. રાજા કહે- તારા આવા પ્રકારના ચાળા તને પાપો બંધાવશે. દેવી! સમજ રાજા રાણીને પાછો વારે છે. હે દેવી- આ મુનિભગવંત ધર્મની આરાધનામાં રુડા તેજસ્વી છે, હાંસી મશ્કરી કરવી ઘટતી નથી. રાજા વારંવાર પોતાની રાણીને મુનિને ઉપસર્ગ કરતી વારે છે. થાકેલી રાણી મુનિને સંતાપવા છોડી દઇને રાજા પાસે આવીને બેઠી.
ત્યારપછી થોડીવારમાં મુનિનું ધ્યાન પૂર્ણ થયું. સામે થોડે દૂર રાજારાણી બેઠા છે. પોતાના જ્ઞાનબળે બંને યોગ્ય જીવ જાણ્યા. રાજારાણી મુનિભગવંત પાસે બેઠા. મુનિ બંનેને ઉદેશીને કહેવા લાગ્યા. રાણીએ સંતાપ્યા છતાં તેના પ્રત્યે દ્વેષ નથી. રાજા પ્રત્યે રાગ નથી. સમભાવમાં રમતાં મુનિ પરમ કરુણાવંત હતા. બંનેને ઓળખી લીધા. રાજારાણી છે તે રીતે નહિ. પણ નજીકના ભવમાં મોક્ષગામી છે. ભાવિ જોઇ લીધું. અમૃતધારા જેવા મુખમાંથી વચનો નીકળ્યા. હે રાજન! દાન-શીલ- તપ અને ભાવ આ ધર્મના પાયા છે. સુપાત્રે દાન દઇને દાનધર્મ કરો. નિર્મળ અને પવિત્ર એવા શીયળવ્રતનું પાલન કરો. યથ શકિતએ તપ ધર્મની અરાધના કરવી જોઇએ. સર્વ આરાધના ભાવપૂર્વક કરવાથી પ્રાણીઓ શુભફળ રૂપ સિધ્ધિને મેળવે છે.
આ પ્રમાણે મુનિભગવંતની વાણી સાંભળી પોતપોતાના હૈયામાં ધર્મની સ્થાપના કરી. શ્રધ્ધાપૂર્વક ધર્મની આરાધનામાં જોડાયા. દેવ-ગુરુ ધર્મ રૂપ ત્રણની તત્વત્રયીને પણ ઓળખાવતા હતા. પોતાને બાર ઘડી સુધી આ રાણીએ સંતાપ્યો. છતાં તે બધું ભૂલી ગયા. અપકારને ભૂલીને ઉપકારમાં જેનું મન છે. આ વાત રાણીને સમજાણી. અંતઃકરણમાં મુનિને સંતાપ્યાનું દુ:ખ થાય છે. મુનિભગવંતના વચન અનુસારે ધર્મને હૈયામાં સ્થાપન કર્યો. શુભભાવનાથી મુનિભગવંતોને સુપાત્રદાન આપે છે. બીજા ક્ષેત્રોમાં પણ પોતાની લક્ષ્મીને વાપરે છે. દાનધર્મની આરાધનામાં ભાવધર્મ ભેળવીને અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. યથાશકિત તપો કરે છે. શીલવ્રતને પણ ધારણ કરે છે.
દંપતી પોતાના જીવનમાં ધર્મને આરાધતા કેટલો કાળ ગયો. મુનિને સંતાપ્યાથી લાગેલા પાપનું પ્રાયશ્ચિત લીધા વિના રેવતી મૃત્યુ પામી રાજા પણ મૃત્યુ પામ્યો. બંને જણા દેવલોકે પહોંચ્યા. બંને આત્મા દેવ સંબધી સુખોને ભોગવતાં દેવાયુ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૩૦૯)