________________
રહી છે, ત્યારે આવા દુર્ગમ વિષયને સરળ ભાષામાં અને સચોટ રીતે સમજાવે તેવા ગ્રંથોની આવશ્યકતા ઊભી થાય છે.
પં.પ્રભુદાસ બેચરદાસ પારેખ બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે ધર્મવિષયક તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયક અનેક ગ્રંથો લખ્યા છે અને તે દ્વારા સમાજને જાગૃત કરવાનું અને સંસ્કૃતિની રક્ષા કરવાનું મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. તેમણે તત્ત્વાર્થાધિગમસૂત્ર, પંચપ્રતિક્રમણ સૂત્ર, આદિ ગ્રંથો ઉપર વિસ્તૃત વિવેચનો લખી જિજ્ઞાસુઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
પં.પ્રભુદાસભાઈ રચિત કર્મવિચાર ગ્રંથ ખૂબ જ સરળ ભાષામાં સુંદર શૈલીમાં લખાયો છે, આ ગ્રંથ કર્મના ગહન સિદ્ધાંતસાગરમાં પ્રવેશ કરવા માટે નાવની ગરજ સારે છે. કર્મ જેવા ગહન વિષયને બાળમાનસ પણ સમજી શકે તેવા નાના નાના પાઠોમાં સંવાદાત્મક શૈલીમાં અહીં રજૂ કર્યો છે તેમજ કર્મસિદ્ધાંતને લોકભોગ્ય દાંતો દ્વારા રજૂ કર્યો છે. આ ગ્રંથના વાંચન-મનનથી કર્મસિદ્ધાંત અત્યંત સરળતાથી સમજાય તેમ છે. ખરેખર તો આ પુસ્તકને જૈનધર્મની તમામ પાઠશાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન આપવા જેવું છે, જેથી વિદ્યાર્થીઓ માટે કર્મસિદ્ધાંતનાં રહસ્યો સુગમ બને અને જૈનધર્મની ગહનતાનો તેમને પરિચય થઈ શકે. - પં.પ્રભુદાસભાઈએ જિજ્ઞાસુઓ ઉપર જણાવ્યું તેમ સરળતાથી કર્મસિદ્ધાંતને સમજી શકે અને કર્મના ગહન વિષયમાં પ્રવેશ કરી શકે તેવી શુભ ભાવનાથી આ ગ્રંથની રચના જુદા જુદા ભાગોમાં કરી હતી. આ જ ગ્રંથની એક કરતાં વધુ આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી, જે આ ગ્રંથની મહત્તા દર્શાવે છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ગ્રંથ અલભ્ય હતો. ઘણાં જ્ઞાનભંડારોમાં અને પુસ્તકાલયોમાં ત્રણેય ભાગ એક સાથે ઉપલબ્ધ નથી. તેથી જિજ્ઞાસુઓને કર્મસિદ્ધાંત સમજવામાં સરળતા રહે તેવા શુભ આશયથી ત્રણેય દુર્લભ ભાગો મેળવીને અહીં એક સાથે, “કર્મવિચાર' ગ્રંથનું પુનઃપ્રકાશન કરવામાં આવી રહ્યું છે.
ન્યાયશાસ્ત્ર વિશારદ અને કર્મશાસ્ત્ર નિષ્ણાત પૂ.આચાર્યશ્રી વિજય રૈવતસૂરિજી મ.સા. અમદાવાદમાં પધાર્યા ત્યારથી અવારનવાર તેઓશ્રીની સાથે જ્ઞાનચર્ચા થતી હતી. એકવાર પૂજય આચાર્યદેવશ્રી વિજય