________________
૨૬ કર્મ-વિચાર ભાગ-૧
રંગની કણી લો. જો જો, હો, જરા પણ મોટી કણી ન આવે. જેમ બને તેમ રંગની નાની કણી લેશો, તો વધારે સારું છે.
હા, જી ! લીધી. એ કણીના તમે બે ભાગ કરી શકશો ?
ના, જી ! મહા મુશ્કેલીથી હું એને લઈ શક્યો છું, ને બે ભાગ શી રીતે કરી શકું? મને તો લાગતું જ નથી, કે તેના બે ભાગ થઈ શકે. કદી ન થઈ શકે.
બસ, નહીં જ થઈ શકે? ના, સાહેબ ! નહિ જ થઈ શકે. ખચીત નહીં જ થઈ શકે.
ઠીક, જુઓ ત્યારે એક ચમચીમાં કે કાચની કટોરીમાં પાણીનું ટીપું લો. તમારી આંગળીથી એક જ ટીપું લેજો. અને તે બરોબર કટોરીમાં વચ્ચે મૂકો.
જુઓ, તે કેવું મોતીના દાણા જેવું સુંદર દેખાય છે ? તમને કેવડું લાગે છે? " સાહેબ ! તે મગના દાણા જેવડું જણાય છે. તેમાં પેલી રંગની કણી ધીમેથી મૂકી દો. પછી જુઓ શું થાય છે?
અરે ! રંગની કણીમાંથી તો ગુલાબી રંગના તાંતણા જેવા લાંબા લાંબા શેરડા ફૂટે છે. અહો ! બધું પાણી ગુલાબી થઈ ગયું !
ઠીક, તેમાં તેવડું જ એક બીજું પાણીનું ટીપું મૂકો. મૂક્યું. સાહેબ ! પહેલા કરતાં હવે શો ફેરફાર થયો? તે તપાસો. પહેલા રંગ જરા ઘેરો હતો. હવે રંગ આછો થઈ ગયો. ત્રીજું ટીપું મૂકો. હવે તપાસો. પહેલા કરતાં રંગ વધારે આછો થયો છે.