________________
૨૭૨ કર્મવિચાર ભાગ-૩
ઉપરથી કહેવાનો આશય એ છે કે કુદરતી સંજોગો ગમે તેવા હોય, તેને અને આત્માને લાગે વળગે શું? એ વર્ણાદિક અમુક પરમાણુઓના ભલે હોય, તેથી અમુક આત્મા સાથે તેને સંબંધ શો ? છતાં તે અમુક આત્માના બને છે, અને તેના સંજોગો પ્રમાણે રૂપાંતર પામે છે. તે આ કર્મોને લીધે. અર્થાત્ કુદરતી સંજોગો સર્વ સામાન્ય છતાં તે અમુકના જ બને છે, અને અમુકના જ કામમાં આવે છે. તેનું કારણ તેના પોતાનાં કર્મો છે. તે જ રીતે બંધન અને સંઘાતન પામવાનો ગુણ પરમાણમાં છે. છતાં અમુક પ્રાણીના શરીરના પરમાણુઓમાં અમુક જાતના બંધન અને સંઘાતન થાય, એ તેના બંધનનામકર્મ અને સંઘાતનનામકર્મને લીધે. તે જ રીતે અહીં પણ કુદરતી રીતે પરમાણુઓમાં વર્ણાદિ છતાં તે અમુક આત્માના બને છે. અને પાછા અમુક જાતના ફેરફારો પામે છે. તે આ કર્મોને લીધે. જો આ કર્મો ન હોય, તો એ વર્ણાદિ ઉપર આત્માનો હક્ક જ ન ચાલે. ભલે વર્ગણાઓ મળે, તેમાંના વર્ણાદિ ઉપર તેનો અધિકાર જ ન રહે. એટલે પ્રથમ તો એ વર્ણાદિ ઉપર જે અધિકાર અમુક આત્માનો થાય છે તે આ કર્મોને લીધે. બીજા ફેરફારો થવાની તો વાત પછી. બીજા ફેરફારો થાય છે તે વર્ણાદિ કર્મોની તરતમતાને લીધે સમજવા. અને વર્ણાદિ કર્મોની તરતમતા આત્માના અધ્યવસાય સાથે સંબંધ રાખે છે. અધ્યવસાય પ્રત્યેક આત્માના સ્વતંત્ર જુદા હોય છે એટલે પછી શરીરના વર્ણાદિ પણ પોતપોતાના સ્વતંત્ર ગણાય છે, અને તેના ફેરફારો આત્માના અધ્યવસાય ઉપર આધાર રાખે છે, નહીં કે પરમાણુ વર્ગણાના કુદરતી ફેરફારોના સંજોગ ઉપર.
વર્ણ એટલે સામાન્ય રીતે રંગ એવો અર્થ થાય છે. તે રંગ અનેક જાતના જોવામાં આવે છે. છતાં બધાનું વર્ગીકરણ કરીને મુખ્યપણે પાંચ રંગો છે, એમ જૈન શાસ્ત્રકારોએ નક્કી કર્યું છે : કાળો, ધોળો, રાતો, પીળો, લીલો.
ગંધ પણ બધી ગંધોનું એકીકરણ કરીને બે જાતની નક્કી કરી છે. સુરભિગંધ=સુગંધ અને દુરભિગંધ એટલે દુર્ગધ.
રસ રસ એટલે સ્વાદ. સ્વાદ અનેક જાતના હોય છે, પરંતુ તેનું એકીકરણ પાંચ પ્રકારોમાં સમાવેલું છે. તીખો, કડવો, મીઠો (ગળ્યો), ખાટો, તુરો.