________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૩ તેને ન લોકમર્યાદા આડે આવે, કે ન વડીલોની કે કુટુંબીઓની લાજશરમ કે આબરૂ આડે આવે. પણ પોતાનું ધાર્યું કરે. આવી ભયંકર આવેશવાળી લાગણીઓ અનંતાનુબંધી કષાયોને લીધે હોય છે.
૨૦. બસ, આ અનંતાનુબંધી કષાયની લાગણીવાળાની કોઈ પણ ચીજને અડકવામાં આવે, લઈ લેવામાં આવે, કે તેના ઉપર કંઈ અયોગ્ય અસર ઉપજાવવામાં આવે એટલે પછી તેનો પિત્તો ઠેકાણે જ ન રહે. આ અનંતાનુબંધી ક્રોધની લાગણી છે. એ લાગણી અનંતાનુબંધીય ક્રોધકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મને લીધે ઉત્પન્ન થાય છે.
૨૧. એ વ્યક્તિ ક્રોધ કરીને અટકે એટલું જ નહીં, પરંતુ વિરોધી વ્યક્તિને હેરાન કરવા, પાયમાલ કરવા છેલ્લામાં છેલ્લી હદના છૂપા ઘાટ ઘડે, ગુપ્ત પ્રપંચો રચે, મનમાં અનેક દુષ્ટ ઘાટ ઘડે અને પ્રસંગ આવે તો સામાનો ઘાટ ઘડી નાંખવામાં જરાપણ સંકોચ ન રાખે. તથા ઉપર કહેલી બીજાની ચીજો પડાવી લેવા પણ અનેક જાતની છૂપી કપટ ઘટનાઓ કરે. આ લાગણી અનંતાનુબંધીય માયાકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મને લીધે ઉત્પન્ન થાય છે.
૨૨. એ વ્યક્તિ માત્ર ઉપર પ્રમાણે કપટ કરીને જ શાંત રહે છે, એમ પણ નથી. પરંતુ આવેશમાં ને આવેશમાં તે એટલો બધો અક્કડ અને કડક મિજાજનો હોય છે કે નમ્રતા શું? તેનો તો અંશેય તેમાં ન જ જણાય. “બસ, યાદ રાખજે “આમ ન કરી નાખું તો હું ફલાણો નહીં” એ વગેરે અભિમાનના શબ્દો ઊછળી ઊછળીને છાતી કાઢી, લાંબા હાથ કરી કરી બોલે, તે વખતે તેનામાં અભિમાનની જે તીવ્ર લાગણી જોવામાં આવે છે. તે અનંતાનુબંધીય માનકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મને લીધે ઉત્પન્ન થાય છે.
૨૩. વળી ઉપર લખેલી ચીજો ઉપર તેને કેટલી બધી આસક્તિ હોય, તે તો આપણે ઉપર જોયું. પરંતુ તે લાગણી એટલેથી જ ન અટકતાં– તે તો એટલી બધી હદ સુધી આગળ વધે છે કે–તે વસ્તુઓ ગમે તેટલી પોતાની પાસે હોય, છતાં વધારે વધારે મેળવવા તનતોડ પ્રયત્ન કરે, મોટી મોટી પ્રવૃત્તિઓ અને હિલચાલો ઉપાડે, તેની પાછળ જ મચી પડે. બીજા