________________
આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ ૨૦૧
પડે છે. બીજે ન જવું હોય તો પણ જવું પડે છે અને જવાની ઇચ્છા હોય તોપણ જઈ શકાતું નથી.
એ શી રીતે ?
ઘણા સુખી માણસોને મરવાની બિલકુલ ઇચ્છા નથી હોતી, છતાં તેને મરવું પડે છે. અર્થાત્ અહીંથી સુખ મૂકીને જવું ગમતું નથી, છતાં બિચારાને જવું પડે છે. તેવી જ રીતે કોઈ દુ:ખી માણસ જે ઘણો જ રિબાતો હોય, તેને આ જીવનમાં કશો રસ ન રહ્યો હોય છતાં જ્યાં સુધી મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી તે અહીંથી જઈ શકતો નથી, છૂટી શકતો નથી. બિચારાને એમને એમ રિબાવું પડે છે.
એનું કારણ શું ?
તેનું કારણ તો કર્મ જ. બીજું શું ?
કયું કર્મ ?
આ કર્મનું નામ આયુષકર્મ કહેવાય છે.
દરેક પ્રાણીને આયુષકર્મ તો હોય જ છે. જો આયુષકર્મ ન જ હોય તો એક ક્ષણપણ તે અહીં ટકી ન શકે. અથવા અનાદિ અનંતકાળ સુધી તેને તે જ અવસ્થામાં રહેવું પડે.
પશુ, પક્ષી, માણસો, જંતુઓ, કીડાઓ વગેરેને થોડુંઘણું કંઈ ને કંઈ આયુષ્ય કર્મ છે અને તેને લીધે જ કોઈ એક વર્ષ, બે વર્ષ, છ માસ, સો વર્ષ એમ રહી શકે છે. ચોમાસામાં કેટલાં બધાં જંતુઓ જણાય છે. પરંતુ ચોમાસું પૂરું થયે દેખાય છે ?
ના.
કારણ કે, તેઓનું આયુષ્ય પૂરું થઈ જાય છે એવી જ રીતે કેટલાંક જંતુઓ તો બેચાર દિવસમાં જ જન્મીને મરી જાય છે. તેઓનું આયુષ્યકર્મ તેવું હોય છે.
કેટલાંક પ્રાણીઓ તો સો વર્ષ ઉ૫૨ પણ જીવે છે. તેથી તેઓનું આયુષ્યકર્મ તેવું હશે.