________________
૧૮૨ કર્મ-વિચાર ભાગ-૩ અને જે પ્રમાણે હોય તે પ્રમાણે જ્ઞાન થાય તે ખરું જ્ઞાન.
આત્માની જ્ઞાનશક્તિનો પાવર મુખ્યપણે તો એવો જ છે કે, જગતના તમામ ભાવોને બરાબર જે પ્રમાણે હોય તે પ્રમાણ નિશ્ચયાત્મકપણે–અસંદિગ્ધપણે જાણવા.
સંદિગ્ધપણે જાણે તો જ્ઞાનશક્તિ અધૂરી ગણાય. જે પ્રમાણે હોય તે પ્રમાણે જાણવામાં ખામી રહે તોપણ તે ખામી અજ્ઞાનશક્તિ કહેવાય. પણ આત્માની જ્ઞાનશક્તિના પાવરનો મુખ્યપણે વિચાર કરતાં તેમ બનવું સંભવિત નથી.
આ ઉપરથી એટલું જ સમજાય છે કે, જ્ઞાનશક્તિની અસંદિગ્ધ સ્થિતિને જુદી પાડી એક જુદા ગુણ તરીકે તેનો વ્યવહાર કર્યો છે અને તે એ કે, પ્રત્યેક વિચારનાં દષ્ટિબિંદુઓ જુદાં જુદાં હોય છે. તેમાં સત્ય દૃષ્ટિબિંદુને લક્ષ્યમાં રાખીને જ્ઞાન અને વર્તન પ્રવર્તે છે. બસ, જ્ઞાન અને વર્તનની પાછળ રહેલા સત્ય દૃષ્ટિબિંદુ તરફ લક્ષ્ય તે સમ્યગ્દર્શન કહેવાય છે.
આવા દાખલા પણ આપણા જીવનમાં ઘણા બનતા જોઈએ છીએ. દાખલા તરીકે
તમે બહાર ફરવા ગયા હો, તેવામાં કોઈપણ કૂવા પાસે એકાદ બકરું કે ઘેટું ફરતું હોય, તમને એમ લાગે કે કદાચ આ બિચારું કૂવામાં પડી જશે માટે તેને બચાવું. તેથી તેને તમે પકડી પાડો અને તેને કૂવામાં પડતું બચાવો અને તમે તો ત્યાંથી તેને કોઈ સુરક્ષિત સ્થાનમાં મૂકો.
તેમાં તમારો ખ્યાલ તેના પ્રત્યે કેવળ દયાનો જ છે.
હવે તમારે બદલે કોઈ કસાઈ જાતિનો માણસ હોય, અને તે પણ તેને તમારી જ પેઠે બચાવી લે. અને તે પણ પોતાને ઘેર લઈ જાય, ત્યાં થોડો તે તેને બચાવીને સુરક્ષિત સ્થાને મૂકવાનો હતો ?
નહીં જ, તે તો તેને મારીને તેનું વેચાણ કરે.
બસ ત્યારે, જો કે તેને કૂવામાં પડતું તમે બને બચાવો છો પણ બન્નેનાં દૃષ્ટિબિંદુ જુદાં જુદાં છે. એકનું દૃષ્ટિબિંદુ કેવળ દયા છે. ત્યારે બીજાનું દૃષ્ટિબિંદુ કેવળ સ્વાર્થ અને હિંસા છે.