________________
ભૂમિકા (ભાગ ૧-૨)
હિંદુસ્તાનમાં સામાન્ય અભણમાં અભણ પ્રજાજનોને મોઢે કર્મ શબ્દ ઝટપટ આવતો આપણે સાંભળીએ છીએ. “જેવાં મારાં કર્મ” “કર્યા કરમ ભોગવ્યા વિના છૂટકો નથી” વગેરે.
તો, આ કર્મ શું હશે ? તેનો કશો સ્પષ્ટ ખુલાસો જૈન સમાજને મળતો નથી. પરંતુ વંશપરંપરાથી કર્મ શબ્દ વાપરતા આવે છે. લોકો “કર્મ એટલે શું ?” એ ભલે ન જાણતા હોય, પરંતુ તે શબ્દના પ્રયોગનો પ્રચાર ખૂબ વિચારપૂર્વક થયેલો છે. અને તેની પાછળ મહત્ત્વની વિચારણા, સંશોધન તથા વિજ્ઞાન પડ્યા છે, તેની પણ ભાગ્યે જ કોઈકને જ ખબર હશે.
કર્મ : ભાગ્ય : દૈવ : નસીબ વગેરે જુદાં જુદાં નામો કર્મનાં જ છે.
“તેના ભાગ્યનો ઉદય સારો છે” “દેવની ગતિ ન્યારી છે.” “તમો નસીબદાર છો” વગેરે વાક્યરચના સર્વ પ્રકારના લોકોમાં પ્રચલિત છે.
નેપોલિયન બોનાપાર્ટ જેવા બુદ્ધિશાળી માણસે પોતાનો વિજય થાય, તેને માટે કેટલા કેટલા વિચારપૂર્વક પ્રયત્ન કરેલા હતા ? છતાં વોટર્કમાં તેને નિષ્ફળતા મળી. અને સેંટ હેલીનામાં લાંબા વખત સુધી કેદ ભોગવવી પડી અને ત્યાં જ મરવું પડ્યું. આમાં તેના પૂર્વકર્મની તેવી કોઈ અસરના પરિણામ સિવાય બીજું શું કલ્પી શકાય તેમ છે ? જીવનમાં જાણતા અજાણતાં થતી ભૂલો કોઈ પણ જાતના કારણ વિના કેમ થાય ? અને એ ભૂલોનું પરિણામ તો ભોગવવું જ પડે છે. જો ભૂલનું પરિણામ ન ભોગવવું પડતું હોય, તો નેપોલિયન બોનાપાર્ટને કેદમાં શા માટે રાખવો પડ્યો ? અને ભૂલનું પરિણામ ભોગવવું પડતું જ હોય, તો ભૂલ પણ કોઈ પણ પ્રથમની ભૂલનું પરિણામ હોવું જ જોઈએ.