SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ હે મુનિ ! આ દેહરૂપી ઘર માંસ, હાડકાં, લોહી, પિત્ત, આંતરડાં, લોહી વગરના અપરિપક્વ મળ, ચામડી અને ગંદુ લોહી આ બધી મલિન વસ્તુઓથી શરીર પૂર્ણ ભરેલું છે, જેમાં તું આસક્ત થઈને અનંતકાળથી દુઃખ ભોગવી રહ્યો છે. હવે સમજાવીને આચાર્યદેવ કહે છે કે હે ધીર ! જે માત્ર કુટુંબાદિથી મુક્ત થયો તે મુક્ત થયો નથી; પરંતુ જે અત્યંતર વાસનાને છોડીને ભાવોથી મુક્ત થાય છે તેને જ મુક્ત કહે છે, એમ જાણીને આંતરિક વાસના છોડ. ભૂતકાળમાં અનેક એવા મુનિ થયા છે જેમણે દેહાદિ પરિગ્રહ છોડીને નગ્ન દશા ધારણ કરી પરંતુ માનાદિક છોડ્યા નહિ; આથી સિદ્ધિ થઈ નહિ. જ્યારે માન રહિત થયો ત્યારે મુક્તિ થઈ. દ્રવ્યલિંગી ઉગ્ર તપ કરવા છતાં અનેક રિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે પરંતુ ક્રોધાદિ ઉત્પન્ન થવાને કારણે તેની તે રિદ્ધિઓ સ્વપરના વિનાશનું કારણ બને છે - જેમ બાહુ અને દ્વીપાયન મુનિ. ભાવશુદ્ધિ વિના અગીયાર અંગનું જ્ઞાન પણ નકામું છે; પરંતુ જો શાસ્ત્રોનું જ્ઞાન ન હોય અને ભાવોની વિશુદ્ધતા હોય તો આત્માનો અનુભવ કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે, જેમ તે શિવભૂતિ મુનિ. ઉક્ત ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે ભાવરહિત નગ્નત્વ અકાર્યકારી છે. ભાવસહિત દ્રવ્યલિંગમાં જ કર્મપ્રકૃત્તિના સમૂહનો નાશ થાય છે. હે ધીર મુનિ ! આ પ્રમાણે જાણીને તારે આત્માની જ ભાવના કરવી જોઈએ. જે મુનિ શરીરાદિ પરિગ્રહ અને માનકષાયથી રહિત થઈને આત્મામાં લીન થાય છે તે ભાવલિંગી છે. ભાવલિંગી મુનિ વિચારે છે કે હું પરદ્રવ્ય અને પરભાવોથી મમત્વ છોડું છું. મારો સ્વભાવ મમત્વરહિત છે. આથી હું બીજા બધા અવલંબનો છોડીને આત્માનું અવલંબન લઉ છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર, યોગ - એ ભાવો અનેક હોવા છતાં પણ એક આત્મામાં જ છે. સંજ્ઞા, સંખ્યાદિ ભેદથી તેમને જુદા જુદા કહેવામાં આવે છે. હું તો જ્ઞાન-દર્શન સ્વરૂપ શાશ્વત આત્મા જ છું; બાકીના બધા સંયોગી ભાવ પરદ્રવ્ય છે, મારાથી ભિન્ન છે. આથી હે આત્મન ! તું જો ચારગતિમાંથી છૂટીને શાશ્વત સુખ મેળવવા ઈચ્છતો હોય તો ભાવોથી શુદ્ધ થઈને અતિ નિર્મળ આત્માનું ચિંતવન કર ! જે જીવ આવું કરે છે તે નિર્વાણને પ્રાપ્ત થાય છે. જીવ અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ, અનિર્દિષ્ઠ, સંસ્થાન અને ચેતના ગુણવાળો છે. ચૈતન્યમયી જ્ઞાનસ્વભાવી જીવની ભાવના કર્મક્ષયનું કારણ હોય છે. ભાવનો મહિમા બતાવતા આચાર્ય કહે છે કે શ્રાવકપણું અને મુનિપણાના કારણરૂપ ભાવ જ છે. ભાવસહિત દ્રવ્યલિંગથી જ કર્મોનો નાશ થાય છે. જો નગ્નત્વથી જ કાર્ય સિદ્ધિ થતું હોય તો નારકી, પશુ વગેરે બધા જીવસમૂહને નગ્નત્વના કારણથી મુક્તિ થવી જોઈએ. પરંતુ તેવું બનતું નથી, તેઓ મહાદુઃખી જ છે. આથી આ સ્પષ્ટ જ છે કે ભાવરહિત નગ્નત્વથી દુઃખોની પ્રાપ્તિ થાય છે, સંસારમાં પરિભ્રમણ ચાલુ રહે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy