________________
જીંદગીનો નકશો આપણે જાતે તૈયાર કરવાનો છે, તેમાં કોઇની દખલગિરી શા માટે ?'' આવી બળવાખોર માનસિકતા નવી પેઢી ધારણ કરી રહી છે. આનું પરિણામ એટલું જલદ આવતું દેખાય છે કે નવી પેઢી અત્યંત સ્વચ્છંદી અને સ્વેચ્છાચારી બની રહી છે. તેમને કોઈની બીક લાગતી નથી.
સ્કુલના શિક્ષકો હજી પ્રિન્સિપાલથી ગભરાય, પ્રિન્સિપાલ મેનેજમેન્ટ બોર્ડથી ગભરાય, મેનેજમેન્ટને ટુડન્ટના વાલીઓનું સાંભળવું પડે. વાલીઓ સંતાનોથી ગભરાય, સંતાનો કોઇથી ન ગભરાય ! તદ્દન નિર્ભીક, બિન્ધાસ્ત અને “હૂ કેર્સ” વાદી ! નિયંત્રણ અને બંધન વચ્ચેનો ભેદ આ લોકો સમજી શક્યા નથી.
કોલેજમાં પ્રેસકોડ લાગુ કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓ જાણે યુનિયન બનાવીને બતાવી દેવાના મૂડમાં આવી જાય અને નારાબાજી શરૂ કરી દે. મુદ્દો એક જ કે અમારે કેવા કપડા પહેરવા એ બીજા શી રીતે નક્કી કરી શકે ? માંદા માણસે શું ખાવું અને શું ન ખાવું એ અંગે ડોક્ટર નિયમન કરે છે તે કોઇના આહારસ્વાતંત્ર્ય ઉપરની તરાપ ન ગણી શકાય. એટલી સરળ વાત સ્વીકારી ન શકતી નવી પેઢીની બૌદ્ધિક ક્ષમતાની આ એક ઉણપ ગણાય.
કોલેજમાં અઘટિત બનાવો બનતા અટકાવવાના હેતુથી પણ જો કોઇ અસભ્ય કહી શકાય તેવા સુરુચિભંગ કરનારા ડે ની ઉજવણી પર પ્રતિબંધ મૂકાય એટલે જાણે વિદ્યાર્થી આલમની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી હોય તેવો હોબાળો મચે છે. વિનય અને સંસ્કારિતાની છાંટ વગરની તીખી પ્રતિક્રિયાઓ આપી શકાય એવી આઝાદી ક્યો સભ્ય સમાજ મંજૂર રાખી શકે ?
અનુશાસન અતિરેકી ન હોવું જોઇએ તે સમજી શકાય છે. જેને એક છેડે સત્તાનો કેફ હોય અને બીજે છેડે નકરું શોષણ હોય તેવાં અનુશાસનની અહીં વાત પણ નથી. વાસ્તવમાં તે અનુશાસન પણ ન કહેવાય. પરંતુ જે સતું અને શુભનું સર્જક, રક્ષક, પોષક અને પ્રદર્શક હોય તેવું અનુશાસન સર્વત્ર, સર્વદા અને સર્વથા અનિવાર્ય છે.
વરાળા