________________
છે. નીચે એક કેશન હોય છે : “ગુમ થયેલ છે. ભાળ મેળવી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે". આવા બાળકોના હૈયાં સુકાં હોય છે. આંખો ભીની હોય છે.
આવા પરિવાર જીવન પર કોઇએ એક ચમચમતો કટાક્ષ કર્યો છે : “તું મને પાલવનું અંગ્રેજી પૂછ મા, અહીં તો દીકરાના આંસુ પણ ટિસ્યુ પેપરથી લૂછાય છે.' કબૂલ કે દરેક ઘરોમાં આ પરિસ્થિતિ નથી હોતી. પણ આ ટ્રેન્ડ પડી રહ્યો છે. ખાસ કરીને જે ઘરોમાં મૂડીવાદ અને ઉપભોક્તાવાદનું સામ્રાજ્ય હોય છે ત્યાં આ પદ્ધતિનું પરિવારજીવન (!) પ્રવર્તે છે. આજે કેટલાક બાળકો માત્ર દસ વર્ષના થાય ત્યાં તો ઘરથી સેંકડો માઇલ દૂર બેંગ્લોર, ઊટી કે દહેરાદૂન જેવા તદ્દન અપરિચિત સ્થળે શાળાકીય શિક્ષણ લઇ રહ્યા છે. ઊંચી ગુણવત્તાનું શિક્ષણ આપવાની આડશમાં મા-બાપની થોડા છુટ્ટા અને હળવા રહેવાની દાનત પણ થોડી કાર્યરત હોઇ શકે.
ઉચ્ચ શૈક્ષણિક માળખું અને સર્વોત્તમ સવલતો સાથેની રેસીડેન્શીયલ સ્કુલમાં ભણતા બાળકો પાસે માતાનો હાલસોયો ખોળો નથી હોતો. ત્યાં કદાચ “ફાધર' હશે પણ પિતાનું હૂંફાળુ સાંનિધ્ય નથી મળતું, જે ઘણા બાળકોને કોરી ખાય છે. બૌદ્ધિક દ્રષ્ટિએ તેમનો વિકાસ થતો હોય તો પણ માનસિક દ્રષ્ટિએ તેમનામાં “સમથિંગ લેકિંગ” નો લઘુતાભાવ રહેલો હોય છે. આવા બાળકોને પોતાનું ઘર તો જાણે વેકેશન સ્પોટ બની જાય છે. છોકરાઓ વેકેશનમાં મામાને ઘેર જાય એ વાત દૂરની થઇ ગઇ, આજકાલ તો છોકરાઓ વેકેશનમાં મમ્મીના ઘરે જાય છે.
વર્ષે દોઢ લાખની ફી ભરવી પરવડે પણ પોતાના વ્હાલસોયા પાછળ સમય કાઢવો ન પોસાય તેવી દરિદ્રતા કોઇ મા-બાપને ન પડો ! જેની પાસે પૈસા નથી એ તો ગરીબ છે જ પણ જેની પાસે પૈસા સિવાય કાંઇ જ નથી એ બહુ ઊંચા ગરીબ છે.
બાળકોની ખરી બાબાગાડી છે મા-બાપ, તેના બદલે આ બાબાગાડી જ્યારે વિશાળકાય વાહન બને છે ત્યારે તેના અર્થોપાર્જન અને સુખોપાર્જનના ભારેખમ પૈડાઓ તળે બિચ્ચારું શૈશવ કચડાય છે. મા-બાપને પોતાની જીંદગી
૩૪
ઘરશાળા