________________
ગુણ-દોષો શરીરને નહીં પણ આત્માને સાપેક્ષ (Soul Related) છે. પુત્રનો આત્મા અને આત્માના એ ગુણ-દોષો કાંઇ પિતાના આત્મા કે શરીરમાંથી નિર્મિત થયેલ નથી કે જેથી સમાનતાનો પ્રશ્ન ઊભો થાય. પૂર્વભવોના કેરી ફોરવર્ડ થયેલા સંસ્કારો અને વર્તમાન ભવના સંયોગોમાંથી એ ગુણ-દોષો સ્વયં આકાર લઇ લે છે.”
એટલે ટૂંકો ફલિતાર્થ એ થયો કે સંતાનનું વ્યક્તિત્વ એ પૂર્વના સંસ્કારો અને વર્તમાનના સંયોગોનો સરવાળો છે. સંસ્કારો તે સ્વયં લઇને આવે છે અને સંયોગો તેને અહીં પૂરા પાડવામાં આવે છે. આ ડેટા ફિક્સ છે.
જાતિવંત બીજમાં ઘટાદાર વૃક્ષની વિરાટતા રહેલી છે. જરૂર છે તેને બે સહકારી કારણો મળવાની. માટી અને માળી. ફળદ્રુપ જમીન અને કુશળ માળી એ બીજની અંદર પડેલી વિરાટતાને પૃથ્વી પર છતી કરે છે. તેમ સંતાનમાં પણ અનેકવિધ શક્યતાઓ છુપાઇને અંદર પડેલી છે. ઉચ્ચકુળ અને ઉચિત ઘડવૈયા એક નાનકડા ભૂલકામાંથી ભવ્યતાનું નિર્માણ કરી શકે છે.
જીવનું અવતરણ કયા કુળમાં થશે આ વ્યવસ્થાના નિર્માણમાં તેના કર્મ મુખ્ય ભાગ ભજવે છે. પરંતુ તે પછીની અવસ્થાનું નિર્માણ કરવામાં પોતાને મળતા સંયોગો અને પોતાનો પુરુષાર્થ ભાગ ભજવે છે. આમ વ્યક્તિના જીવનનિર્માણમાં ત્રણ પરિબળો મહત્ત્વના સ્થાને રહેશે.
• પૂર્વકૃત કર્મસંસ્કારો. • મળેલા સંયોગો. • સ્વ-પુરુષાર્થ
આમાંથી નિર્ણાયક પરિબળ તે રહેશે, જે પ્રબળ હશે. ક્યારેક જુના સંસ્કારોની પ્રબળતા નિર્ણાયક બનીને વર્તમાન સંયોગ અને પુરુષાર્થને સાઇડલાઇન કરી દે તેવું પણ બની શકે. ક્યારેક સંયોગોની પ્રબળતા સારા પુરુષાર્થને વેગ આપવા દ્વારા જુના અશુભ સંસ્કારો પર સરસાઈ મેળવી લે છે. આમ ત્રણે પરિબળો અગત્યના હોવાથી તેને સમજી લેવા જરૂરી છે.
ઘરશાળા