________________
બીજું વિશ્વયુદ્ધ
“વહાલા ગ્રામવાસીઓ!મને ચૂંટી લાવવાનું ફળ હવે તમને મળી રહ્યું છે. અત્યારે તમારે રોજ અહીંથી ચાલતા ચાલતા તમારા ખેતરે જવું પડે છે. ગાડી પકડવા માટે નજીકના ગામ સુધી ચાલતા જવું પડે છે. આ બધી હાડમારી તમારે હવે થોડા દિવસ માટે જ વેઠવાની છે. બસ, હવે અહીંથી મુખ્ય ધોરીમાર્ગ સુધીનો રસ્તો પાકો બની રહ્યો છે. પછીતો બસ અને ગાડી છેક આપણા ગામ સુધી આવી શકશે. તમારે કલાક ચાલવાની મજૂરી હવે કરવી નહીં પડે. માત્ર દસ મિનિટમાં જ બસ દ્વારા તમે મોટા ગામે પહોંચી શકશો. તમારે ખેતર સુધી ય રોજ ચાલતા નહીં જવું પડે. તમારા રોજના બે કલાક બચી જશે.” ગ્રામવાસીઓએ તાળીઓના ગડગડાટ સાથે નેતાના આ શબ્દોને વધાવ્યા.
ને ત્યાં કો'કે પૂછ્યું : “અમારો સમય બચાવશો તે તો ઠીક, પણ પછી તે બચેલા બે કલાકમાં અમારે કરવાનું શું?' નેતાએ ફરી જવાબ આપ્યો : “હવે અહીં વીજળીનું જોડાણ થઈ ગયું છે. મનોરંજનનાં એવાં સાધનો તમારા ગામ અને ઘર સુધી પહોંચશે કે તમારા કલાક તો શું, દિવસો ને વર્ષો ક્યાં વીતી જશે તેની ખબર પણ નહીં પડે!' મોઢા પર આશ્ચર્યના ભાવો સાથે અને વિકાસશીલ ગામડાની આશા સાથે બધા છૂટા પડ્યા.
વિજ્ઞાને પહેલાં સમય બચાવનારાં સાધનો બનાવ્યાં. અને પછી તેણે સમય પસાર કરાવે તેવાં સાધનો વિકસાવ્યાં. ટાઈમ સેવિંગ સાધનોએ જીવનમાંથી શ્રમને દૂર કર્યો. ટાઈમ કમ્યુમિંગ સાધનોએ જીવનમાંથી સંયમને દૂર કર્યો. શ્રમ અને સંયમ ઘટવાથી સ્વાથ્યની ઈમારત હલવા માંડી. સ્વાથ્યની ગરબડે સમાધિમાં પણ ગાબડું પાડી દીધું. આજે આ ગાબડું પહોળું થઈ રહ્યું છે.
– મનનો મેડિકલેઈમ (૭૦)---