________________
આવા હુમલાઓ વખતે ગમે તેમ કરીને આપણી અંદરના શહેનશાહને સલામત રાખવો જરૂરી છે. તેના વફાદાર રક્ષક તરીકેની મનની કામગીરી ત્યારે ખૂબ જ મહત્ત્વની છે. ખંધક મુનિના શરીરના ચામડા ઊતરી જવા છતાં અંદરનો શહેનશાહ સલામત રહ્યો તો છેવટે વિજયધ્વજ તેણે જ ફરકાવ્યો. ગજસુકુમાલ મુનિના માથે સળગતાં અંગારા મુકાયા. તેની ગરમી ખોપરીના કઠણ કવચને ભેદીને અંદર અસર કરી શકી, પણ બાદશાહ આબાદ બચી ગયો.
આવા હુમલાઓ વખતે શહેનશાહ પોતાના ચુનંદા એકાદ અંગરક્ષક સાથે સ્થળાંતર કરી લેતા હોય છે. પીડા વખતે આત્માનો ઉપયોગ, જે સામાન્યથી શરીરવર્તી હોય છે. તેને અન્યત્ર ખસેડી લેવામાં આવે તો જ બચી શકાય. અત્યાર સુધી જેનો સાથ છે તે હાથ, પગ, આંખ કે અંગ પ્રત્યંગોનો કાંઈ ભરોસો નહીં, તે ગમે ત્યારે દગો દઈ દે. આવા સમયે મને જો વિશ્વાસઘાત ન કરે તો બાદશાહને ઊની આંચ પણ ન આવે. તેથી આવા અવસરે એકલા મનના સથવારે જ આત્મા બચી શકે. આથી કર્મના હુમલા નિષ્ફળ બનાવવા માટે ધ્યાનને બીજે કેન્દ્રિત કરવું જોઈએ.
આપણી તકલીફ એ છે કે આવા વખતે ઉપયોગનું સ્થળાંતર કરવાને બદલે ઉપયોગને અન્યત્ર ખસેડવાની આખી ફોર્મ્યુલાનું જ સ્થળાંતર થઈ જાય છે. બારીમાં આંગળી આવી ગઈ. ચીસ પડી ગઈ.... પીડા પણ થઈ.. આ કર્મનો હુમલો છે. આ વખતે ઉપયોગને વળાંક આપવાને બદલે સમગ્ર ઉપયોગ જાણે કે આંગળી ફરતે જ ગોઠવાઈ જાય છે. સહેજ નખ ઊખડી જાય કે ચામડી ઊતરડાઈ જાય, નાની ફોલ્લી થાય, કેડમાં કળતર થાય કે નાકમાં ગળતર થાય.. એક ક્વેર ઈંચમાં રહેલી તકલીફ પાંસઠ કિલોના આખા ય પંડને પથારીમાં પોઢાડી દે છે. બહુ દીર્ઘકાળથી ઊભો કરેલો દેહાધ્યાસ એવો તો પીડે છે કે સડેલો દાંત પડાવી લીધા પછી પણ આપણને તો તે જ દાંત દુખ્યા કરે.
------– મનનો મેડિકલેઈમ (૩૫)
-------