________________
દુઃખ ત્યાં સુધી જ વધુ પીડે છે જ્યાં સુધી શર્ટની અંદર રહેલા અને શર્ટ કરતાં વધુ કિંમતી એવા શરીર તરફ ધ્યાન ગયું નથી. શરીરની પીડા પણ ત્યાં સુધી જ દુઃખી બનાવી શકે જ્યાં સુધી શરીરની અંદર રહેલા અને શરીર કરતાં અનેકગણા મૂલ્યવાન એવા એક મહાન તત્ત્વ તરફ ધ્યાન ગયું ન હોય.
આપણી તકલીફ એ છે કે આપણી ચર્મચક્ષુ માત્ર ચામડું જોઈને અટકી જાય છે. તેની ભીતર ઊતરી શકતી નથી. ઘણી વાર ક્યાંક પડી જવાથી કે ભટકાઈ જવાથી શરીરના તે ભાગમાં સખત કળતર થતું હોય ત્યારે અંદર શું થયું હશે તેની દહેશત રહે છે. એમ થયા કરે કે “એક્સ-રે રિપોર્ટમાં ફ્રેક્ટર ન દેખાય તો સારું.” રિપોર્ટ જોઈને ડૉક્ટર જ્યારે એમ કહે કે રિપોર્ટ નોર્મલ છે. માત્ર મૂઢમાર છે, પંદરેક દિવસ દુઃખાવો રહેશે. ત્યારે એ મૂઢમાર પણ આશ્વાસન આપે છે, કારણ કે અંદરનું હાડકું સલામત છે.
એક વાત સમજવા જેવી છે કે કર્મનો હુમલો થાય છે શરીર ઉપર પણ તેનું લક્ષ્ય માત્ર શરીરનથી હોતું. અંદરવાળાને પીડા ઉપજાવવાનો તેનો ઈરાદો હોય છે. કર્મોના હુમલાઓ વખતે શરીર વ્યાધિગ્રસ્ત બનવા છતાં જો અંદરવાળો બચી જાય તો કર્મના હુમલાઓને નિષ્ફળ જ માનવા પડે.
અમેરિકાએ બગદાદ પર ભીષણ બોમ્બમારો કરીને જ્યારે સમગ્ર શહેરને ધમરોળી નાંખ્યું ત્યારે અમેરિકાનું ટાર્ગેટ બગદાદ નહોતું પણ બગદાદનો બાદશાહ હતો, જે અંદર કોઈ બંકરમાં ભરાયો હોવાની સંભાવના હતી. તે સલામત રહી જાય તો અમેરિકન હુમલાઓ નિષ્ફળ ગણાયા હોત. આ જ રીતે શરીર પર ત્રાટકતી કર્મફોજ પણ શરીરમાં વસતા શહેનશાહને અસર ઉપજાવી ન શકે તો કર્મફોજના હુમલાઓ નિષ્ફળ પુરવાર થાય છે.
----
– મનનો મેડિકલેઈમ (૩૪) –