________________
નિવૃત્તિકાળે જે કરવા ધારતા હો તેની રુચિ અત્યારથી કેળવો અને તેની ટેવ અત્યારથી પાડો. આપણી તકલીફ એ છે કે નિવૃત્તિકાળને સફળ બનાવે તેવાં કાર્યોનો રસપ્રવૃત્તિકાળે કેળવ્યો હોતો નથી અને પ્રવૃત્તિકાળે જેનો રસ કેળવ્યો હોય છે, તે કાર્યો નિવૃત્તિકાળે કરી શકવાના શક્તિ કે સંયોગ હોતા નથી. આના કારણે નિવૃત્તિકાળ કંટાળાજનક અને લાચારી સ્વરૂપ લાગે છે અને પરિણામે સંતપ્ત મનોદશાનું નિર્માણ થાય છે.
સતત ચાર દાયકા સુધી ધંધો કર્યા પછી જો માણસ પોતાની માલિકીનું ઘર વસાવી ન શકે તો શું કામનું? ભાડાના ઘરમાં લાંબો સમય રહેવામાં મજા તો નથી, શોભા પણ નથી અને સલામતી તો નથી જ. માત્ર નોટિસ આવે કે ઊંઘ હરામ. બાહ્ય પ્રવૃત્તિ અને ભૌતિક માર્ગની ભાગદોડતો ભાડાનું ઘર છે. ક્રમિક અથવા આકસ્મિક ગમે તે રીતે તે ખાલી કરવું પડશે ત્યારે ક્યાં રહીશું?
- રાજા-મહારાજાઓ રહેતા હોય છે મહેલોમાં, પણ તે મહેલની નીચે આસપાસમાં ભૂગર્ભગૃહ તૈયાર કરી રાખતા. આકસ્મિક હુમલા વખતે ત્યાં ચાલ્યા જવું હોય તો જઈ શકે અને સલામત રહી શકાય. અને હા, આ ભૂગર્ભગૃહ મહેલની સાથે જ ચણી લેવામાં આવતું. હુમલો થાય ત્યારે ખોદકામ કરવું નકામું છે.
જીવનમાં શું પામ્યા તેનો અંદાજ, છેલ્લે તમે શું પામો છો તેના પર છે. જેને નિવૃત્તિકાળ પસાર કરતાં ન આવડે તેને પ્રવૃત્તિકાળ પસાર કરતાં આવડ્યો નથી. વર્ષભર મહેનત નહીં કરનારા વિદ્યાર્થીને પરીક્ષાખંડમાં સૌથી ઓછું લખવા છતાં પણ સૌથી વધુ પસીનો થતો હોય છે.
– મનનો મેડિકલેઈમ (૧૭)