________________
અલૌકિક જીવનમાંથી ખેંચેલા બોધરસને આ પુસ્તકમાં સુપેરે પીરસવામાં આવ્યો છે. શ્રી ગૌતમસ્વામીના પ્રેરક આલંબનને સારી રીતે સફળ કરવું હોય તો આ પુસ્તક
વાંચવા ખાસ ભલામણ.
પ્રસ્તુત પુસ્તકને તે જ પૂ. પંન્યાસશ્રી અજિતશેખરવિજય મ.સા. એ ખૂબ ચીવટથી તપાસીને પુસ્તકની ખૂબ સુંદર પ્રસ્તાવના લખી આપીને આ નાનકડા પણ પુસ્તકનું વજન ખૂબ વધારી દીધું.
પ્રેરણા અને પ્રોત્સાહનના પાવર હાઉસ સમા મુનિરાજશ્રી મેઘવલ્લભ વિજયજી, મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી, મુનિરાજશ્રી હ્રદયવલ્લભવિજયજી આદિ સહવર્તી મુનિવરો મારું મોટું પ્રોત્સાહક પરિબળ છે.
આ પુસ્તકમાં ચરિત્રકથાનું આલેખન નથી કે પદાર્થોનું પરિશીલન પણ નથી. આ માત્ર એક ભાવયાત્રા છે. એક મહાન ઉપાસ્ય વિભૂતિ શ્રી ગૌતમસ્વામીની ભાવ-સ્પંદનો દ્વારા એક અર્ચના છે. ઉત્પ્રેક્ષાઓ અને ઉપાલંભોની આ ભાવયાત્રામાં બહુલતા છે. ઉત્પ્રેક્ષા અને ઉપાલંભ પણ ભાવોની અભિવ્યક્તિ અને અભિવૃદ્ધિ માટેનું એક સુંદર સાધન છે. ભક્તિનો જ એક પ્રકાર છે.
આ ભાવયાત્રા દરમ્યાન ભાવાવેગને કારણે ક્યાંય વિનયચૂક કે વિવેકચૂક થયા હોય તો અંતઃકરણથી ક્ષમા યાચું છું.
પંન્યાસ મુક્તિવલ્લભ વિજય.