________________
શેરબજારની સિસ્મોલોજી
મૂડી જાય ત્યારે માનસિક સ્વસ્થતા અને જીવનાધાર બધું જ હલી જતું હોય છે. આમ આર્થિક હાલાકી એ આધ્યાત્મિક હાલાકીઓનું પણ નિમિત્ત બની જતું હોય છે. આ કારણથી ગૃહસ્થ આર્થિક સલામતી સાથે બાંધછોડ કરવી પરવડે નહીં.
ઘરમાં સલામતી ન લાગે તો માણસ પોતાનું મકાન બદલે છે. પોતાના મહોલ્લામાં જોખમ જણાય તો માણસ તેને ય બદલે છે.
સલામતી ન જણાતા હજારો લોકો આખો ને આખો દેશ છોડીને ચાલ્યા જવાના બનાવો યુગાન્ડા-અફઘાનિસ્તાનઇરાકમાં બન્યા છે અને ભારતના ભાગલા વખતે પણ બન્યા છે. - તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશીઓ અંગે થોડી વિપરીત ટિપ્પણી થઈ તેમાં તો માત્ર પૂના શહેરમાંથી પૂરા પચ્ચીસ હજારથી વધુ ઉત્તરપ્રદેશવાસીઓ હિજરત કરી ગયાના સમાચારો ચમક્યા હતા.
સલામતીનો પ્રશ્ન ઊભો થાય તો પ્રવાસી ક્રિકેટ ટીમ પોતાનો પ્રવાસ રદ કરી દે છે અથવા ચાલુ પ્રવાસ અધવચ્ચેથી આટોપી લે છે. સલામતી સામે પ્રશ્ન ઊભો થાય તો પેસેન્જરો તત્કાળ તે વાહન છોડીને રસ્તા પર ઊતરી જતા અચકાતા નથી. વિસ્ફોટની અફવા મળતા આખી ઇમારત ઈમર્જન્સી સાથે ખાલી કરાવાય છે.
- ૩૩ -