________________
સંસ્કૃતિદેવીના મંદિરીએ તેં મને અમૃતનાં આચમન અને પ્રીતિનાં પ્રસાદ-ભોજન કરાવ્યાં છે.
મારા રક્તમાં વહેતા ખમીરનું ઘોલ તારા જ ખરલમાં ચૂંટાયું છે. મારી આંખોમાં ચમકતા નૂરનું અંજન તારા જ તેજમાંથી નીપજ્યું છે.
મારા હૈયામાં વહેતા હેતના સરોવરનો વિસ્તરેલો વ્યાપતો તારા વિશાળ વ્યક્તિત્વનું એક નાનુંશું પ્રતિબિંબ છે!
મારા વ્યવહારમાં પ્રસરતો પરાર્થનો પમરાટ તારા સુવાસિત પુષ્પોદ્યાનની જ મહેંક છે. | મારા જીવનમાં દીપતા મૂલ્યો તારી તેજક્રાન્તિનો એક પડછાયો માત્ર છે!
મારી દિનચર્યામાં વણાયેલા સાત્વિક અને સાંસ્કારિક આચારો તો તારો ખોળો ખૂંદતા મળેલી પાયાની શિક્ષા છે. | મા ગુર્જરગિરા! તારા ઉપકારોની યાદીઓ લખી લખાય તેવી નથી. તારા ઋણના સરવાળા માંડ્યા મંડાય તેવા નથી. તારા ગુણનાં ગાણલાં ગાયા ગવાય તેવા નથી. તારી સમૃદ્ધિનાં સરવૈયાં ચોપડામાં ચીતરાય તેવા નથી. તારા પ્રતાપનાં પ્રતિબિંબ પંક્તિઓમાં પડે તેવા નથી. તારા નૂરના નકશા દોર્યા દોરાય તેવા નથી. તારી ઊંચાઇના માપ માપપટ્ટીથી નીકળે તેવા નથી. તારી ગરિમાના વજન ત્રાજવે તોળાય તેવા નથી.
શું આ સમૃદ્ધ શબ્દકોષો કાળની ગર્તામાં દટાઈ જશે ? માર્મિક કહેવતોના ઢગલા વિસ્મૃતિના વાયરાથી વેરાઈ જશે ? રૂડા રૂઢિપ્રયોગોનો રસાળ રસવૈભવ વિનાશની ખાઇમાં ધકેલાઈ જશે?
પરંપરાગત પવિત્ર સંસ્કૃતિનું મોહક પ્રતિબિંબ પાડતો આ મનોહર આયનોબસ, તૂટીને ટુકડા થઈ જશે? Pભવ્ય ભાષા માતૃભાષા
૧૦૫