________________
ઈલાચીકુમારની કથા
માનવી કામાંધ બની કેવાં-કેવાં કામો કરવાં તૈયાર થાય છે ! ઈલાચી ભાન ભૂલી આજે કેવું અધમ કાર્ય કરવાની હામ ભીડે છે !
નટે આગળ જણાવ્યું: ‘શેઠજી આ કન્યા પરણીને તમારે ઘેર નહિ આવે. પણ તમારા છોકરાને ઘરજમાઈ થઈને રહેવું પડશે. બોલો, છે કબૂલ ?' શેઠે કહ્યું: ‘ભાઈ સાત વાર કબૂલ.’
શેઠ સમજતા હતા કે, છોકરો એકનો બે થાય તેમ નથી. જો નટડી નહિ પરણાવું તો આગમાં પડી બળી મરશે અને એના પ્રાણ ચાલ્યા જશે. નટે વિશેષ ખુલાસો કરતાં કહ્યું: ‘શેઠજી ! બીજી વાત પણ જણાવી દઉં. મારી પુત્રી કંઈ રસ્તામાં નથી પડી. તમારો છોકરો નટવિદ્યામાં પ્રવીણ થશે, કોઈ મોટા રાજાને રીઝવી દાન લઈને આવશે, ત્યારે હું મારી નાતને જમાડીને પછી તમારા પુત્ર સાથે મારી પુત્રીને પરણાવીશ, સમજ્યા !
શેઠને બધુંય કબૂલ કરવું પડ્યું. ન કરે તો જાય ક્યાં ? ઈલાચીકુમારને પોતાની આશા કંઈક અંશે ફળી રહી છે, એમ જણાતાં આનંદ થયો. એક નટડી કાજે માબાપ-ઘરબાર-સ્વજન-પરિવાર અને સુખ-સાહ્યબી, વગેરે બધુંય છોડવા તે તૈયાર થયો. ઝીણાં વસ્ત્રો ગાવી દીધાં, માર્યો કચ્છોટો, હાથમાં લીધો વાંસ ને ઢોલ, અને નટની સાથે એ ચાલી નીકળ્યો.
માતા-પિતાને પારાવાર દુ:ખ થયું, પણ કરે શું ? ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' એમ એ સમજતા હતા.
ઈલાચીએ ટૂંક સમયમાં જ નવિદ્યા શીખી લીધી. તે એક કુશળ કલાકાર બન્યો, હવે વાત રહી એક રાજાને રીઝવવાની. અનુક્રમે નટ મંડળી સાથે તે બેનાતટ નગરે આવ્યો.
ઈલાચીની ખ્યાતિ એક કુશળ નટ તરીકે ચોમેર પ્રસરી ચૂકી હતી. બેનાતટના અધિપતિ મહારાજા મહીપાળે પણ તેની ખ્યાતિ સાંભળી હતી. નટકાર લંખીકારે મહારાજાને પ્રાર્થના કરીઃ ‘મહારાજ ! આપની આજ્ઞા હોય તો અમે એક નાટક ભજવી બતાવીએ !' મહારાજાએ હુકમ આપ્યો: ‘ભલે ખુશીથી ભજવો. રાજમહેલના વિશાળ ચોકમાં ઊંચો વાંસ નાંખવામાં આવ્યો. ચારે બાજુ દોરડા બાંધ્યા. વાંસ ઉપર એક પાટિયું અને પાટિયા ઉપર એક ખીલો ઠોક્યો. ઈંદ્રાણીના રૂપને મહાત કરે તેવી રૂપાળી નટડીએ હાથમાં ઢોલ લીધો,
૮૫૯
બોલ્યા પહેલા સો વાર વિચારે તે બુદ્ધિમાન અને, બોલ્યા પછી પસ્તાય તે મૂર્ખ.