________________
$00000
[] લબ્ધિ એટલે શક્તિ
- એ શક્તિ આત્માના સહયોગથી ઉત્તમ ચારિત્ર અને તપ ગુણોના પ્રગટીકરણ દ્વારા અશુભ કર્મોને છેદી શુભકર્મો ઉદિત થાય ત્યારે શક્તિ સહજ વિકાસ પામી આત્મામાં પ્રાપ્ત થાય છે. આવી શક્તિઓ અદ્ભુત, ચમત્કારિક હોય છે. આવી શક્તિઓ અનંત હોય છે. એટલે જ આપણે સૌ ગણધર શ્રી ગૌતમસ્વામીજીને ‘અનંતલબ્ધિનિધાન' તરીકે ઓળખીએ છીએ.
આ શક્તિને લબ્ધિ અને ઋદ્ધિ બે શબ્દોથી ઓળખાવે છે. શ્વેતાંબરોમાં ‘લબ્ધિ’ શબ્દ પ્રચલિત છે. દિગંબરો ‘ઋદ્ધિ’ શબ્દ વાપરે છે. શબ્દોમાં થોડી અર્થભિન્નતા છે.
આ શક્તિનું પ્રગટીકરણ કરવા તૈજસ તત્વનો પ્રભાવ છે. આ તૈજસ નામનાં સૂક્ષ્મ શરીરનો પ્રભાવ વધારવો પડે એ લબ્ધિ, ઋદ્ધિ શક્તિ છે. શક્તિઓ તો અનંત છે. પણ સિદ્ધચક્ર પૂજનમાં ૪૮, ઋષિમંડલ પૂજનમાં બાર અને ભગવતી સૂત્રમાં પ્રશ્નવ્યાકરણમાં, પન્નવણાસૂત્રમાં અઠ્ઠાવીસ લબ્ધિપદો સૂચવેલ છે.
આ લબ્ધિઓ ઘણી શક્તિશાળી છે. એ લબ્ધિપદોના જાપ, પૂજન વ્યાપકપણે થાય છે. આચાર્ય ભગવંતો પણ મુદ્રાઓ દ્વારા એના જાપ કરે છે. દરેક લબ્ધિ/શક્તિ માનવજાતની જુદી જુદી અનેક તકલીફો, કષ્ટો, દુઃખો દૂર કરવામાં, ઉન્નતિ, કીર્તિ, કાર્યસિદ્ધિ, ધર્મપ્રભાવનાની શક્તિ વગેરેમાં સફળ કામ આપનારી છે. ભવ્ય પુરુષોને અઠ્ઠાવીસ લબ્ધિ હોય છે. ભવ્ય સ્ત્રીઓને અઢાર લબ્ધિઓ હોય છે.અભવ્ય પુરુષોને પંદ૨ લબ્ધિ હોય છે. અભવ્ય સ્ત્રીઓને ચૌદ લબ્ધિઓ હોય છે.
*****