________________
(૧૦) ચારણલબ્ધિ :- આ લબ્ધિ જે સાધકે સિદ્ધ કરેલ હોય તે લબ્ધિના પ્રભાવથી આકાશગમનની શક્તિ પ્રાપ્ત થાય છે. તેના બે પ્રકાર (૧) જંઘાચારણ (૨) વિદ્યાચારણ
જે ચારિત્ર અને વિશેષ તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી ગમનાગમનના અતિશયરૂપ લબ્ધિ વડે સંપન્ન હોય છે તે જંઘાચારણ કહેવાય છે.
આ જંઘાચારણથી સાધક પહેલા ઉત્પાત વડે એટલે કે કૂદકા (ઉડાણ) વડે તેરમા રુચકદ્વીપ પર્યંત જઇ શાશ્વત ચૈત્યોને જુહારી પાછા વળતા બીજા કૂદકે (ઉડ્ડયને) આઠમાં નંદીશ્વર દ્વીપે આવી શાશ્વત ચૈત્યોને જુહારી વગર વિસામે સ્વસ્થાને આવે છે.
આવી લબ્ધિવાળા ઉર્ધ્વગતિમાં એક જ કૂદકે (ઉડ્ડયને) મેરુપર્વતના શિખર પર રહેલા પાંડુકવનમાં જઈ શાશ્વત ચૈત્યોને જુહારી પાછા ફરતા એક જ કૂદકે (ઉડ્ડયને) નંદનવનમાં આવી શાશ્વત બિંબોને વંદનાદિ પૂર્વક બીજા કૂદકે (ઉડ્ડયને) સ્વસ્થાને આવે છે. જંઘાચરણ લબ્ધિધારીની જતી વખતે ગતિ શીઘ્ર હોય છે પાછા વળતા ગતિ મંદ હોય છે કારણકે જંઘાબળ શરૂઆતમાં પ્રબળ હોય છે – પછી અલ્પ થતું જાય છે
જેઓને વિદ્યાના અતિશય વડે ગમનાગમનની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેઓ વિદ્યાચારણ કહેવાય. તેઓ એક કૂદકે (ઉડ્ડયને) માનુષોત્તર પર્વત સુધી જઇને બીજા કૂદકે નંદીશ્વરદ્વીપ જઇ અને સ્વસ્થાને પાછા આવે છે.
આ લબ્ધિવાળા મુનિઓ ઉર્ધ્વગતિમાં એક જ કૂદકે (ઉડ્ડયને) નંદનવનમાં અને બીજા કૂદકે (ઉડ્ડયને) પાડુંકવનમાં જાય અને પાછા ફરતા એક જ પગલે પોતાના સ્થાનમાં જાય છે. તેઓ સૂર્યકિરણોનો આશ્રય કરીને પણ જાય છે, જંઘાચારણો પણ એ રીતે જાય છે.
વિદ્યાચારણ લબ્ધિવાળાને પ્રથમ વિદ્યાપાઠ અલ્પ હોય છે, જેમ જેમ વિશેષ વિદ્યા ગણે તેમ તેમ ગતિ વેગવતી થાય છે, આથી તેઓની શરૂઆતની ગતિ વિસામાવાળી અને સ્વસ્થાન તરફની ગતિ શીઘ્ર હોય છે.